ગાંધીનગર,રવિવાર
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષી નેતાને લઈ છેલ્લા કેટલાય સમયથી માથાપચ્ચી ચાલી રહી છે. જાે કે, હવે આગામી બે-ત્રણ દિવસમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે તેવું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ માટે બે નામ ઉપર તેમજ વિપક્ષી નેતા માટે બે નામ ઉપર સહમતિ સધાઈ ચૂકી છે અને તેમાંથી બે નામ ઉપર ફાઈનલ મંજૂરીની મહોર વાગી ચૂકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કારમી હાર પછી પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા તેમજ વિપક્ષી નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું.
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને તેણે કોંગ્રેસે તૈયારીઓ આરંભી છે અને હવે પ્રદેશ પ્રમુખ તેમજ વિપક્ષી નેતાને લઈ છેલ્લા કેટલાક સમયથી જે કોકડું ગૂંચવાયેલું છે તે ઝડપથી ઉકેલાઈ શકે છે. આ સમગ્ર મામલો અગાઉ દિલ્હી દરબારમાં પહોંચ્યો હતો અને ગુજરાતના અનેક સિનિયર નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન અનેક નામો ઉપર ચર્ચા થઈ હતી અને આખરે હવે આ નામ હવે ચાર નામ ઉપર આવીને અટક્યા છે. પ્રદેશ પ્રમુખ માટે શક્તિસિંહ ગોહિલ તેમજ જગદીશ ઠાકોરના નામ ઉપર મંજૂરીની મહોર વાગી ચૂકી છે. અગાઉ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બનવા માટે ના પાડી ચૂક્યા છે ત્યારે હવે જગદીશ ઠાકોરનું નામ સૌથી ટોપ ઉપર છે અને તેમના નામની સત્તાવાર જાહેરાત આગામી બે-ત્રણ દિવસમાં થઈ શકે છે. બીજી તરફ વિપક્ષી નેતા માટે પણ શૈલેષ પરમાર તેમજ પૂંજાભાઈ વંશનું નામ ચર્ચાઈ રહ્યું છે.
જાે કે, ફાઈનલ પૂંજાભાઈ વંશના નામ ઉપર મહોર વાગી ચૂકી છે તેવું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. કોંગ્રેસ સંગઠન માળખામાં પણ આમૂલ પરિવર્તન કરી શકે છે અને કાર્યકરી પ્રમુખ તરીકે આદિવાસી નેતાના નામની જાહેરાત કરી શકે છે. જગદીશ ઠાકોર ઓબીસી સમાજમાંથી આવે છે અને ઉત્તર ગુજરાત કોંગ્રેસનું સૌથી મોટુ માથું છે અને તેઓ ફાયર બ્રાન્ડ નેતા તરીકેની પણ ઓળખ ધરાવે છે અને તેઓ અગાઉ સાંસદ પણ રહી ચૂક્યા છે.કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ્ઞાતિ સમીકરણો પણ ગોઠવાની કોશિશ કરશે તેમાં બેમત નથી. સંગઠન માળખામાં પાટીદાર નેતાઓને પણ સ્થાન આપી શકે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બારણે ટકોરા મારી રહી છે ત્યારે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામની જાહેરાત કરવામાં આવે તેવું કાર્યકરો પણ ઈચ્છી રહ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ માટે અનેક પડકારો હશે અને તેમાં સૌથી મોટો પડકાર વિધાનસભાની ચૂંટણી હશે અને કોંગ્રેસને કઈ રીતે જીતાડવી એ પ્રાણપ્રશ્ન રહેશે.

