મોરબીના લગધીરપુર રોડ પર આવેલા ‘લવ એન્ડ લક્ઝરી સ્પા’માં મોરબી SOGની ટીમે પેટ્રોલિંગ દરમિયાન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતા કર્મચારીઓના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની પ્રક્રિયામાં બેદરકારી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં કાઉન્ટર પર હાજર સ્પા મેનેજર જયદિપભાઈ દિનેશભાઈ ગોહેલ (ઉં.વ. 24)ની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સ્પામાં કુલ ત્રણ વર્કર્સ કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી બે કર્મચારીઓના બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધણી માટે જમા કરાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું.
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા પાર્લરોના સંચાલન અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ પોલીસે મેનેજર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

