HomeGujarat“બેટી બચાવો અભિયાન”ની અસર રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં બાળકીનો જન્મદર 886થી વધીને...

“બેટી બચાવો અભિયાન”ની અસર રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં બાળકીનો જન્મદર 886થી વધીને 925 થયો..

રાષ્ટ્રીય સ્તર પર દીકરીઓના વિકાસને એક અભિયાન રૂપે સ્વીકારીને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દીકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવવા વર્ષ ૨૦૦૮ થી દર વર્ષે ૨૪ જાન્યુઆરીના દિવસને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે એટલે કે “રાષ્ટ્રીય દીકરી દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.

રાષ્ટ્રીય દીકરી દિવસ નિમિત્તે દીકરીઓના મહત્વને દર્શાવવા, બેટી બચાવો, બેટી પઢાઓ ઝૂંબેશ, યોગ્ય જાતિ ગુણોત્તર, સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા, મહિલાઓને શિક્ષણ, રોજગાર, વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા, રાજકીય ક્ષેત્ર સાથે જોડવા જેવા હેતુઓ સાથે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી સમાજના નાગરિકોમાં દીકરીઓ પ્રત્યેની સંકુચિત માનસિકતામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાતિગત અસ્થિરતાના ઉભા થયેલા પ્રશ્નને લઈને સ્ત્રીભ્રુણ હત્યા નાબૂદી અને કન્યા કેળવણીના અનેક કાર્યક્રમો શરૂ કર્યા હતાં, ત્યારબાદ સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રુણ હત્યા અટકાવવા માટે દુરંદેશી વડાપ્રધાનએ ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના રાષ્ટ્રીય કક્ષાએ શરૂ કરી હતી. દીકરીઓ શિક્ષણના માધ્યમથી આગળ વધે એ આજના સમયની તાતી જરૂરિયાત છે. જે માટે વડાપ્રધાનના દિશાનિર્દેશ મુજબ અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના, બાલિકા સમૃદ્ધિ યોજના, શિષ્યવૃતિ યોજના, સરસ્વતી સાધના યોજના, ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે સેમીનાર, વ્હાલી દિકરી યોજના, કિશોરી સશક્તિ યોજના, ચિરંજીવી યોજના, કુંવરબાઈનું મામેરુ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સખી મંડળ યોજના, મહિલાલક્ષી કાયદા, સખી વન સ્ટોપ સેન્ટર, નારી અદાલત, નારી સંરક્ષણ ગૃહ-કેન્દ્ર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, શી ટીમ, દિકરીઓની સલામતી અને સુરક્ષા, દિકરીઓમાં આરોગ્ય અને પોષણ તથા આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓમાં ટેક હોમ રાશન (ટીએચઆર), આયર્ન ફોલિક એસીડની ગોળીઓ તથા ૧૨ થી ૧૮ વર્ષની દીકરીઓમાં અને સગર્ભા સ્ત્રીઓમાં કુપોષણ ઘટે તે માટે પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે ત્યારે સરકારશ્રીની કામગીરી સાથે સાથે જનભાગીદારી પણ અનિવાર્ય છે.

રાજકોટ જિલ્લાનાં મહિલા બાળ જન્મદર અંગે જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડએ જણાવ્યું હતું કે, મહિલા બાળ જન્મદર વધારવા માટે સરકાર દ્વારા જે સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે તેના પરિણામ સ્વરૂપે જિલ્લામાં જેન્ડર રેશીયોમાં છેલ્લા પાંચ વર્ષથી સતત સુધારો થઈ રહ્યો છે. અગાઉ સ્ત્રી બાળ જન્મદર સામે પુરૂષ બાળનો જન્મદર ઉંચો હતો. રાજકોટ જિલ્લામાં સ્ત્રી જન્મદર ૨૦૧૮માં ૮૮૬ જેટલો હતો, તેની જગ્યાએ ગત સાલ ૧૦૦૦ બાળકના જન્મદર સામે બાળકીનો જન્મદર ૯૨૫ થયો હતો. જયારે વયસ્ક સ્ત્રી પુરૂષની જન સંખ્યા ૧૪,૧૮૩ અને સ્ત્રીની જન સંખ્યા ૧૩,૧૧૭ વધી હતી.

દીકરીઓના મહત્ત્વને સમજીને સરકાર દ્વારા દરેક જગ્યાએ મહિલા અનામત વધારવામાં આવ્યું છે. સરકારમાં પણ મહિલાઓને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. દરેક સ્ત્રી પ્રથમ એક દીકરી છે, દીકરી વ્હાલનો દરિયો છે. જ્યાં દીકરી હશે ત્યાં પ્રેમ અને ખુશીઓનો ભંડાર હશે તેમ સ્વીકારીને “રાષ્ટ્રીય દીકરી દિવસ” પર પરિવારમાં દીકરીના જન્મને વધાવીએ. દીકરીઓના સમ્માન અને સશક્તિકરણનો સંકલ્પ કરી “દીકરી બચાવીએ, દીકરી ભણાવીએ, સમાજની પ્રગતિનો માર્ગ અપનાવીએ.”

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW