વાત અહીં વાંદરાઓની નથી. આઇ મીન, વાંદરાઓની છે. એટલે કે રિયલ વાંદરાઓની નથી. ઓકે, તમને વધારે મૂંઝવણમાં નાખ્યા વિના ચોખવટ કરી દઉં કે અહીં વાત થઇ રહી છે માનવરૂપી બંદરોની જેમણે ઓકલેન્ડનાં ‘ધ પ્લેહાઉસ થિયેટર’માં ધમાલ મચાવી દીધી – એમના અભિનયથી, એમના સટ્ટાક સંવાદોથી, એમના મોજીલા મસ્ત અંદાજથી અને એમના બીટવીન ધ લાઇન્સ વચ્ચે શબ્દોથી નહી પણ શરારતી ચહેરાઓથી અભિવ્યક્ત થયેલા હાવભાવથી! આમ તો અત્યાર સુધીમાં ગુજરાતી પ્લે જોવાની એટલી બધી તકો નથી આવી, પણ હા, એટલું ચોક્કસથી કહીશ કે આ ગુજરાતી નાટક અત્યાર સુધીના મે ઓકલેન્ડમાં જોયેલા નાટકો કરતા સૌથી ચઢિયાતું હતું. તો પ્રસ્તુત કરું છું નાટકોની કેટલીક એવી બાબતો જેમણે દર્શકોની જીભ પર વન્સ મોરના નારા ગૂંજાવી દીધા.

સૌથી પહેલા વાત કરું, આ બંદરોએ એટલે કે ગુજરાત સાહિત્ય મંડળના બેનર હેઠળ રજૂ થયેલા નાટક ‘મોહનના ત્રણ વાંદરા’ એ કરેલી ધમાકેદાર એક્ટિંગની. આમ તો ગુજરાતીમાં એવી કહેવત છે કે, ‘’તીન તીગડા કામ બિગડા’’ પણ જો આ નાટકની ત્રિપુટીનાં સંદર્ભમાં મારે આ કહેવત ટ્વિસ્ટ કરવાની આવે તો હું એમ કહીશ કે, ‘’ભેગી જો થાય આ ત્રણની ત્રિપુટી, પછી તો કોઇ વાત જ ના ખુટી..!’’ ડાયલોગ ડિલીવરી, ચહેરાઓની અભિવ્યકિત, સંવાદોના સ્પેશિફિક પંચની ધારદાર છટાથી રજૂઆત કે ટાઇમિંગનું મેનેજમેન્ટ – વાત કરતા કરતા એક ચોક્કસ દિશાંમાં છલાંગ મારવી, ક્યારેક સંવાદ બોલતા બોલતા નેચરલી ખભે હાથ મૂકીને વાતને એકબદ્ધ લયમાં આગળ વધારવી, કસરત કરતા કરતા ડાયલોગના સ્પેશિફિક શબ્દ, વાક્યને પીચ પર લઇ જઇને એકદમ નેચલર વે થી રમૂજ ઉભી કરતા કરતા ચાલને આગળ વધારવી, મ્યુઝિક-સાઉન્ડ-લાઇટ્સ-કોસ્ચ્યુમ્સ, દરેકમા ટીમની મહેનત રંગ લાવી.

મારા મતે, એક દર્શક તરીકે, અભિનયને હું ત્યારે વધુ પસંદ કરું કે જ્યારે આર્ટિસ્ટના સંવાદોની સાથે સાથે શરીરના હાવભાવ એકદમ તાલ મિલાવે, સંવાદોની સાથે આર્ટિસ્ટના એક્સપ્રેશન પણ એટલા જ નેચરલ હોય. બીજુ કે, કલાકારની સાચી સફળતા ત્યારે કહી શકાય કે, કલાકાર પોતે તો પોતાની સાચી ઓળખ ઓઝલ કરીને તેના પાત્રને સ્ટેજ પર જીવતું જ હોય, પણ તેની સાથે સાથે સ્ટેજ પર જે તે પાત્રની ભજવાતી અભિવ્યક્તિને માણતા દર્શકમિત્ર પણ જોતજોતામાં એ પાત્રોની રિયલ લાઇફની સાચી ઓળખને ભૂલી જઇને એ કેરેક્ટરમાં ઓતપ્રોત થઇ જાય. અને આ સફળતા ‘મોહનના ત્રણ વાંદરા’ નાટકના મુખ્ય કલાકારો બ્રિજેશ, દેવાંગ અને ધ્રુવે બેશક હાંસલ કરી છે. દર્શકોએ સ્ટેજ પરના પાત્રોની ડાયલોગ ડિલીવરીથી લઇને તમામ બાબતો એટલી એન્જોય કરી કે તેઓ ભૂલી જ ગયા હતા કે સ્ટેજ પર પાત્રો ભજવનારી વ્યક્તિઓ રિયલ લાઇફમા બ્રિજેશ છે, દેવાંગ છે કે પછી ધ્રુવ છે (આ તેમના સાચા નામ છે) આમપણ બ્રિજેશ અને દેવાંગ તો નેચરલી કલાકાર છે જ અને આ બંને જ્યારે સ્ટેજ પર હોય ત્યારે જમાવટ ના હોય તો જ નવાઇ, એમાય સોનામાં સુગંધ ભળે એવી વાત કહું તો બ્રિજેશ આ નાટકના ના માત્ર એક્ટર, ડિરેક્ટર પણ છે.
એ પણ તેમનું ફર્સ્ટ ડિરેક્શન. જોકે, નાટકને જોતા લાગે જ નહીં કે ફર્સ્ટ એવર ડિરેક્શન આટલું જોરદાર હોઇ શકે. મજ્જાની વાત એ પણ છે કે આ નાટક થકી, શૈલેષભાઇએ ઓડિયન્સને બે એવા ફ્રેશ કલાકારની સોગાત આપી છે જેમણે તેમના પ્રથમ નાટકથી જ દર્શકોને તેમના અભિનયના ચાહક બનાવી દીધા. એ બે શાઇનિંગ સ્ટાર્સ એટલે કે ધ્રુવ અને મૈત્રી, જેમણે આ નાટક થકી અભિનયમાં એન્ટ્રી કરી છે. અને આવતાની સાથે જ દર્શકોના દિલમાં છાપ છોડી દીધી છે. જી હા, આ નાટકના માધ્યમથી દર્શકોએ આ વખતે એક નવો ‘’ધ્રુવ’’નો તારો અભિનયના આકાશમાં ચમકતો જોયો (મને ધ્રુવની એક્ટિંગમાં પરેશ રાવલનું પ્રતિબિંબ જોવા મળ્યું. એના વ્યક્તિત્વમાં એવું તો સેન્સ ઓફ હ્યુમરનું એસેન્સ છે કે એની સ્ટેજ પરની હાજરી માત્રથી જ બસ એને જોઇને મજા પડી જાય) બીજી તરફ પોતાના કામણગારા પર્ફોમન્સથી નાટકને ચાર ચાંદ લગાવનારી ચાંદનીએ તેના ધ બેસ્ટ પરફોર્મન્સથી દર્શકોને પ્રભાવિત કરી દીધા. ચાંદનીને ભવિષ્યમાં આવનારા અન્ય પ્રોજેક્ટસમાં દર્શકોને ચોક્કસથી જોવી ગમશે એવી મને આશા છે.
નાટકના અન્ય પાત્રો કોચ મોહન ઉર્ફે મેડી, શરારતી સનકી સિરીન, ગામની ગોરી નિશા અને તેના પિતાનો રોલ ભજવતા ગૌરાંગ ભાઇ એટલે કે સુખદેવે પણ તેમના પાત્રમાં જીવ રેડી દર્શકોને મોજે મોજ કરાવી દીધી. એમાય વળી, સનકી સિરીનનો રોલ કરનારી સૌની ચાહિતી એવી બેનાઇફરની ચા…બૂ…ક એન્ટ્રી અને પછી સુખદેવ અને સનકી સિરીનની જોડીએ સ્ટેજ પર મચાવેલો તરખાટ તેમજ એક સે બઢકર એક શરારતી સંવાદોએ દર્શકોને ‘’વન્સ મોર’’ કહેવા મજબૂર કરી દીધા.
લેખક અને વિશ્લેષક: રંજન રાજેશ

