મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક રોજમદાર કર્મચારીઓ દ્વારા ગેરહાજર કર્મચારીઓની ખોટી હાજરી પુરાતી હોવાનો મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવાના આરોપસર આઠ કર્મચારીઓ વિરુદ્ધ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદી તરીકે રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં રહેતા દિપભાઈ સુરેશભાઈ ફળદુએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી મંદીપ ચાવડા, વિમલભાઈ બાવળીયા, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ, સુનિલભાઈ ભરતભાઈ મકવાણા, રોહિતભાઈ ધીરૂભાઈ, લલીતભાઈ ચાવડા, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડિ અને રાજેશભાઈ સહિતના કર્મચારીઓએ ફરજ દરમિયાન ગેરરીતિ આચરી હતી.
આરોપીઓએ અન્ય રોજમદાર કર્મચારીઓની જાણ બહાર એટેન્ડન્સ માટે ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક પંચિંગ મશીનમાં પોતાની આંગળીઓ અને અંગૂઠાનો ઉપયોગ કરી ખોટી હાજરી પુરાવી હતી. આ રીતે કુલ 13 કર્મચારીઓના રૂ. 9,755 જેટલા પગારની નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

