મોરબીના વાવડી રોડ પર આવેલા ક્રિષ્નાપાર્ક વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી 27 વર્ષીય મદીનાબેન આદિનાભાઈ બ્લોચે આરોપી નઝમાબેન સલીમભાઈ માણેક, તેમની બહેન નૂરબાનું, નણંદ જીલીબેન, દેરાણી ભુરીબેન, નઝમાબેનના સાસુ તથા દિયર વલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મદીનાબેનને અગાઉ નઝમાબેનના પતિ સલીમ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે આ બાબતની જાણ બંને પરિવારોને થતા સંબંધોનો અંત આવી ગયો હતો. આરોપ છે કે, ગત તા. 8ના રોજ સલીમે નઝમાબેનને ફોન કર્યો હતો. નઝમાબેને થોડું વાતચીત કર્યા બાદ ફોન બંધ કરી દીધો હતો. બાદમાં મદીનાબેન ઘરે પહોંચ્યા ત્યારે તેમની પુત્રીએ અજાણતા સલીમને ફોન લગાવી દીધો હતો. આ બાબતે નઝમાબેને મદીનાબેન સાથે ફોન પર બોલાચાલી કરી હતી અને “હું ઘરે આવું છું” તેવી ધમકી આપી હતી. ત્યારબાદ સ્કોર્પિયો કારમાં છ આરોપીઓ મદીનાબેનના ઘરે પહોંચી ગયા હતા અને મદીનાબેન તેમજ તેમની માતા સાથે ઝઘડો કરી મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટનાથી મદીનાબેનની માતાને ભારે આઘાત લાગ્યો હતો અને તેમણે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે મદીનાબેનની ફરિયાદના આધારે પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યાને પ્રેરિત કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

