ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં આવેલી કિંમતી જમીન પર કૌટુંબિક ભાઈએ ગેરકાયદેસર કબજો જમાવી જમીન પચાવી પાડી હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે અમદાવાદમાં રહેતા પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત મેનેજરે પોતાના કૌટુંબિક ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટંકારા તાલુકાના બંગાવડી ગામના મૂળ વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા ડુંગરભાઈ હીરાભાઈ કાસુન્દ્રા (ઉંમર 68 વર્ષ), જે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત મેનેજર છે, તેમણે સુરેશભાઈ મેઘજીભાઈ કાસુન્દ્રા, રહે. બંગાવડી, તા. ટંકારા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના વડવાઓ પાસેથી પ્રાપ્ત થયેલી બંગાવડી ગામની સર્વે નંબર 185/1 પૈકીની કુલ હે. 01-29-50 ચોરસ મીટર જમીનમાંથી આશરે હે. 01-15-35 જેટલી જમીન પર આરોપીએ તા. 2 જાન્યુઆરી, 2024થી ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીએ જમીન પર વાવેતર કરીને તેનો કબજો મેળવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાની પણ ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે.
આ મામલે ટંકારા પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ કલમ 3, 4(1)(3) અને 5(ગ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

