મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા જાહેર માર્ગો પર રખડતા અને વાહનચાલકો તથા રાહદારીઓ માટે અડચણરૂપ બનતા પશુઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની રચના થયા બાદ આજદિન સુધીમાં શહેરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પરથી કુલ 3,706 રખડતા પશુઓને પકડી લેવામાં આવ્યા છે.
પકડવામાં આવેલા પશુઓને મોરબી જિલ્લા તેમજ આસપાસની વિવિધ ગૌશાળા, નંદીઘર અને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા અને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે. ANCD શાખા દ્વારા પશુ માલિકો માટે પણ નિયમ મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે 33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપવામાં આવી છે. સાથે જ 49 નાગરિકોના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા પશુ માલિકોને પોતાના પશુઓનું જરૂરી રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટ ડોગના માલિકોને પણ પોતાના પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. રખડતા પશુઓની ઓળખ અને વ્યવસ્થાપન માટે અત્યાર સુધીમાં કુલ 2,920 પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે. આ કામગીરી આગામી સમયમાં પણ ANCD શાખા દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર રખડતા પશુઓને કારણે સર્જાતી અડચણ અને અકસ્માતની સંભાવના ઘટાડવા માટે પશુ પકડવાની કામગીરી પણ આગામી સમયમાં યથાવત રાખવામાં આવશે.

