મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન માધાપરના ઝાપા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે માધાપરના ઝાપા નજીક ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં હાથમાં ચલણી નોટો લઈને ઉભા હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતા તેઓ નોટોના નંબરના આધારે નસીબ આધારિત હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે વિજયભાઈ લવજીભાઈ નકુમ (રહે. માધાપર, શેરી નં. 21), પરસોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી (રહે. માધાપર, શેરી નં. 2) અને ગુલામહુશેન અબ્રાહમભાઈ સુમરા (રહે. વનાળિયા, તા. મોરબી)ને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 11,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

