સામાન્ય રીતે કોઇનું પણ મૃત્યુ થાય ત્યારે એક શોકનો માહોલ જોવા મળે છે. પણ કોઈ દિવસ કોઇનું મૃત્યુ મહોત્સવ બને એવું થાય ખરા? પણ આ ઘટના બની છે સૌરાષ્ટ્રની ધરતી પર. જેમાં એક મહિલાના બેસણામાં બ્લડ ડોનેશન થયું. જૂનાગઢના સોલંકી પરિવારે મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. જેના પરિવારમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. મયૂરભાઈ સોલંકીના પુત્રવધૂ અને શ્રીનાથભાઈના પત્ની મોનિકાબેનનું અવસાન થયું. પણ પત્નીની ઈચ્છાને આકાર આપવા કઠણ મને કામ કર્યું.

ધામધૂમથી અંતિમયાત્રા: શ્રીનાથભાઇએ હિંમત રાખીને પત્નીની ઈચ્છા મુજબ વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી. બેસણામાં રક્તદાન કેમ્પ રાખી દીધો. આમ આખા પરિવારે અનોખી શ્રધાંજલિ અર્પી. મોનિકાબેને તો ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં ઉજાસ પાથરી દીધું.
રુદન નહિ રક્તદાન: રક્તદાન કેમ્પમાં કુલ 37 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. આ રક્ત મેડિકલની સારવાર માટે જેને જરૂરિયાત હશે તેને આપવામાં આવશે.પતિએ કહ્યું કે, પત્ની સીમંત પ્રસંગ કરીને ડિલિવરી માટે તેના પિયર ગયા હતા. તારીખ 21 જુલાઈના રોજ તેને અચાનક માથામાં દુખાવો ઉપડ્યો. તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. રસ્તામાં તેને તાણ-આંચકી આવતા તેમની હાલત વધુ બગડી હતી. પૂરતી સારવાર આપવામાં આવી આમ છતાં નિયતિ એ કંઈ બીજી બીજું લખ્યું હતું.

બાળકને જીવ આપ્યો: જોકે તબીબોએ કહ્યું કે, માતાના ગર્ભમાં રહેલું બાળક જીવંત છે. આથી પરિવારજનોની ઈચ્છા મુજબ સિઝેરિયન કરીને બાળકની ડિલિવરી કરાવવામાં આવી, પરંતુ થોડા સમય બાદ બાળકીના પણ શ્વાસ બંધ થઇ ગયા. પરિવારમાં ખુશીના આંસુ અણધારી આફતમાં ફેરવાયા.
સૌથી કપરો સમય: મૃત્યુના પાંચ કલાક બાદ તેની પાસે તેના પિતાના મિત્ર આવ્યા અને ચક્ષુદાન માટે વાત કરી તો તેને પળવારનો વિલંબ કર્યો નહિ અને પરિવારને પૂછ્યા વગર જ ચક્ષુદાન માટે હા પાડી દીધી. જોકે તેના આ નિર્ણયને સમગ્ર પરિવારે વધાવ્યો હતો. જોકે આ ઘડી સૌ કોઇ માટે અઘરી હતી.

