અમદાવાદ ઉપર અંતે મેઘકૃપા થતાં શુક્રવારે સવારે છથી બપોરના ચાર કલાક સુધીમાં ઉસ્માનપુરા વિસ્તારમાં નવ ઈંચ તો ગોમતીપુર અને રખિયાલ સહિતના વિસ્તારમાં પાંચ ઈંચ વરસાદ થતાં શહેરના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.શાહીબાગ ઉપરાંત અખબારનગર,પરિમલ તથા મીઠાખળી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે તંત્ર તરફથી બંધ કરવામાં આવ્યા હતા.વરસાદી પાણીનો નિકાલ થતાં ફરી આ તમામ અંડરપાસ ટ્રાફિક માટે ફરી ખોલવામાં આવ્યા હતા.શહેરમાં મોસમનો સરેરાશ કુલ વરસાદ બપોરે ચાર કલાક સુધીમાં 5.15 ઈંચ નોંધાવા પામ્યો છે. સ્માર્ટ સિટીના કહેવાતા વિકાસનો ફુગ્ગો ફૂટી જતા લોકોએ તંત્રની નિષ્ફળતા સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

શનિવારની સવારે વરસાદ સાથે: શનિવારે સવારે પણ અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા હતા. ખાસ કરીને દરેક બીઆરટીએસ રૂટ પાણી ભરાઈ જતા જાણે તળાવ બંધાયું હોય એવો ઘાટ જોવા મળ્યો છે.

સોસાયટીઓ પાણી પાણી: શુક્રવારે બપોરે એકથી ચાર કલાક સુધીના ત્રણ કલાકમાં ખાબકેલા ભારે વરસાદે તમામ વિસ્તારોને ઘમરોળતા મ્યુનિસિપલ તંત્ર દોડતુ થઈ ગયુ હતું.સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસની પોલ ખોલતા પડેલા વરસાદને પગલે શહેરના પાલડી,નવરંગપુરા, આશ્રમ રોડ ઉપરાંત સરખેજ,જોધપુર અને બોડકદેવ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.બોપલ,સેટેલાઈટ સહિતના વિસ્તારથી લઈ મેમનગર,ગુરુકુળ સહિત ઉપરાંત છેક એસ.જી.હાઈવે સુધીના વિસ્તારમાં વરસાદને કારણે જનજીવન ઉપર અસર જોવા મળી હતી.અનેક સોસાયટીઓ અને મકાન સુધી વરસાદી પાણી ફરી વળતા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

જિલ્લાનો વરસાદ: અમદાવાદ જિલ્લામાં શુક્રવારે બપોરે ૧૨ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં તમામ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સૌથી વધુ વિરમગામમાં ૩૦ મિ.મી. વરસાદ પડયો હતો. ધંધૂકામાં ૧૨ મિ.મી., ધોળકામાં ૧૫ મિ.મી., દેત્રોજમાં ૧૪ મિ.મી., દસક્રોઇમાં ૧૬ મિ.મી., ધોલેરામાં ૨ મિ.મી, બાવળા , માંડલ, સાણંદમાં ૧૧ મિ.મી.વરસાદ નોંધાયો હતો.
તંત્રને ફરિયાદ: શુક્રવારે બપોરે ચાર કલાક સુધીમાં વરસાદી પાણી ભરાવાની પાંચ ફરિયાદ,રોડ સેટલમેન્ટની એક ફરિયાદ, વૃક્ષ પડવાની પાંચ ફરિયાદ અને ભયજનક મકાન અંગેની ત્રણ ફરિયાદ મળવા પામી હતી.આ પૈકી દસ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો.

