હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું એક ખાસ મહત્ત્વ હોય છે. આ વર્ષે સોમવતી અમાસ તારીખ 30 મેના રોજ આવે છે. આ દિવસે સોમવાર આવે છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહે છે. હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું ખાસ મહત્ત્વ છે. એવું પણ કહેવામાં આવે છે કે, આ દિવસે નદીમાં સ્નાન કરીને દાન કરવાથી જીવનમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. આ સાથે પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે. આ અમાસ શિવજીને સમર્પિત છે. તેથી દેશભરમાં મનાવાય છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ દિવસે તે ઉપવાસ કરે છે.

આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુંની પૂજા પણ કરવામાં આવે છે. પીળા રંગના વસ્ત્રો અને હાથમાં પીળા રંગનો દોરો બાંધીને પૂજા કરવી જોઈએ. આ દિવસે ઘણા લોકો પીપળાની 108 પરિક્રમા પણ કરે છે. ગણેશપૂજા પણ કરી શકાય: આમ તો સોમવતી અમાસના દિવસે ગણેશપૂજા પણ કરી શકાય છે. જેનાથી વિદ્યા પ્રાપ્તિ થાય છે અને ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે. ગણેશજીને વિદ્યાના દેવ કહેવામાં આવ્યા છે. આ દિવસે એના પિતા શિવજી અને પુત્ર ગણેશની એક જ દિવસે પૂજા થાય છે. આ દિવસે ગણેશજીને લાડુંની સાથે સોપારી પણ અર્પણ કરવામાં આવે છે.

આ દિવસે પાણી પીવડાવવાનું ખાસ મહત્ત્વ છે. આવું કરવાથી પિતૃ તૃપ્તિ થાય છે અને સારા આશીર્વાદ મળે છે. આ દિવસે શિવજીનો અભિષેક કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શિવલીંગ પર દૂધ અને દહીથી અભિષેક કરવો જોઈએ. સાથે થોડું મધ પણ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી બાકી રહેલા કામ ઝડપથી પૂરા થાય છે. આ ઉપરાંત પીપળાને ગંગાજળ ચડાવવાથી પિતૃ આશિષ મળે છે. ગંગાજળની સાથે કાળા તલ, ખાંડ, ચોખા, પાણી અને પુષ્પ અર્પણ કરવા જોઈએ અને ‘ॐ पितृभ्य: नम:’ નો જાપ કરવો જોઈએ.

