બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર ગ્રામ પંચકવાસા પાસે રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે ઈકો વાનને રોંગ સાઈડથી આવી રહેલા ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દીધી. ટક્કર એટલી ભયાનક હતી કે વાનના ફુરચા ઉડી ગયા. વાનમાં સવાર 6 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા. બે મૃતદેહોને ગ્રાઈન્ડરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા. જાણકારી મુજબ, બધા ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા.
તમામ મૃતકો ગુજરાતના વડોદરાના રહેવાસી હતા
અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મૃતકો ગુજરાતના વડોદરા શહેરના હોવાનું જાણવામાં આવ્યું છે. અકસ્માતની જાણ થતા જ બદનાવર પીઆઈ અમિત સિંહ કુશવાહ અને સુરેશ નાગર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી વાનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા. અકસ્માત બાદ ફોરલેન પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો, બાદમાં પોલીસે જામને ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે મૃતકોના પરિવારજનોને ગુજરાતમાં જાણ કરી દીધી છે. મૃતકોનું પંચનામું બનાવીને તેમને બદનાવર સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ટ્રક રોંગ સાઈડથી ઉજ્જૈન તરફ જઈ રહ્યો હતો
ગ્રામજનોના મતે, કારમાં 6 લોકો સવાર હતા. ટ્રક નંબર (GJ 39 DB 9248) બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર રોંગ સાઈડથી ઉજ્જૈન તરફ જઈ રહ્યો હતો. ટ્રકમાં લોખંડનો સામાન ભરેલો હતો. જ્યારે, મારુતિ ઈકો વાન (GJ 17 CK 6134) ઉજ્જૈનથી ગુજરાત તરફ જઈ રહી હતી. આ દરમિયાન બંને વાહનો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ભાગી ગયો હતો.

