સંસદ પરિસરમાં સંતો અને સનાતન ધર્મના અપમાનનો આક્ષેપ મુદે મોરબી જિલ્લા સનાતન સંત સમાજ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના વિવિધ હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાજકીય હેતુસર કેટલાક લોકોએ સંતોના વેશમાં પ્રદર્શન કરી ભગવા વસ્ત્રો, સાધુ-સંત સમાજ અને ભગવાનના ચિત્રોનું અપમાન કર્યું હતું, જેના કારણે કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ પ્રસંગે મહંત દામજી ભગતે જણાવ્યું હતું કે, સનાતન ધર્મ અને સંત સમાજનું અપમાન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે તમામ સનાતનીઓને એકતા દાખવી આવા કૃત્યો સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. ભાણદેવજી મહારાજે પણ સંસદમાં થયેલી કથિત ઘટનાની નિંદા કરતાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ અને સાધુ સમાજની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતા કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
સંગઠનોએ પોતાની રજૂઆતમાં જવાબદારો સામે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવાની, સંડોવાયેલા સાંસદોનું સભ્યપદ રદ કરવાની તેમજ ધાર્મિક લાગણીઓને પહોંચેલા આઘાત અને થયેલા આર્થિક નુકસાન બદલ જવાબદારો પાસેથી વળતર વસૂલવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો સનાતન સંત સમાજ અને હિન્દુ સંગઠનો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.

