મોરબી શહેરના વોર્ડ નંબર 9માં આવેલી અવની સોસાયટીના સ્થાનિક રહીશો માટે મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ થયો છે. સોસાયટીમાં નવા રોડના નિર્માણ માટે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન તેમજ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયા, ભગવતી કુંડારિયા અને હિરેનભાઈ કરોતરા સહિતના આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અવની સોસાયટીમાં બનનારા નવા રોડની લંબાઈ આશરે 550 મીટર રહેશે. આ કામ પાછળ અંદાજે રૂ.68 લાખનો ખર્ચ થવાનો છે. રોડનું નિર્માણ લોકભાગીદારી યોજના હેઠળ કરવામાં આવશે, જેમાં કુલ ખર્ચના 80 ટકા સરકાર દ્વારા અને બાકીના 20 ટકા ખર્ચ સોસાયટીના રહીશો દ્વારા ઉઠાવવામાં આવશે.
રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવા રોડનું કામ પૂર્ણ થયા બાદ અવની સોસાયટીના રહીશોને અવરજવર માટે વધુ સુવિધાજનક અને સારો માર્ગ ઉપલબ્ધ થશે.

