મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને વિવિધ બેઠકો યોજાઈ, પ્રજાના પ્રશ્નો અને વિકાસકામોની સમીક્ષા
મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિ સહિતની વિવિધ બેઠકો શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી, પ્રજાના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણી અંતર્ગત યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ મોરબી જિલ્લામાં અંદાજે 30 જેટલા ‘સેવા સેતુ’ કાર્યક્રમો યોજવા આયોજન કરવા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સૂચના આપી હતી.
આ ઉપરાંત સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાજકોટ એઈમ્સના સહયોગથી મોરબી જિલ્લામાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવા તેમજ નશામુક્તિ અભિયાન હાથ ધરવા સૂચન કર્યું હતું.
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સરકારી વિભાગોની કામગીરી અને વિકાસકામોની વિગતવાર સમીક્ષા કરી હતી. સરકારી કચેરીઓ માટે જમીન, પેન્શન કેસ, આયોજનના કામો, પ્રવાસન સ્થળોના વિકાસ, ‘નમો વન’ ફેઝ-3, ઈ-સરકાર પેન્ડન્સી અને મધ્યાહન ભોજન સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ફરિયાદ સહ સંકલન સમિતિમાં દબાણો દૂર કરવા, જમીનની માપણી સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ થયા હતા. સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.