વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે પૈસાની ઉઘરાણી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા ચાર શખ્સોએ એક જ પરિવારના બે ભાઈઓને લાકડીઓ વડે માર મારી ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, રાતીદેવળી ગામે રહેતા પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા (ઉ.વ. 35) પાસે તેમના ગામના બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીદાભાઈ વોરાએ બાકી નીકળતા રૂપિયા પરત માંગ્યા હતા. પ્રકાશભાઈએ હાલ તેમની પાસે રૂપિયા ન હોવાનું જણાવતા મામલો ઉગ્ર બન્યો હતો.
આ દરમિયાન બાવજીભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રકાશભાઈને ગાળો આપી હતી. ત્યારબાદ અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને વિજયભાઈ પરસોતમભાઈ વોરા પણ ત્યાં આવી ગયા હતા. ચારેય શખ્સોએ જૂના મનદુઃખનો ખાર રાખી પ્રકાશભાઈ તેમજ તેમની સાથે રહેલા દલીપભાઈને ગાળો આપી લાકડીઓ વડે માર માર્યો હતો.
હુમલામાં બંનેને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે પ્રકાશભાઈ વોરાએ ચારેય શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

