મોરબીના શહેરના સામાકાંઠે ઋષભનગર મેઈન રોડ વિસ્તારમાં રહેતા અને સિરામિકના વેપારી અને તેના પિતા જનકલ્યાણ નગરમાં મકાનના દસ્તાવેજ કરાવવા ગયા હતા. આ વિસ્તારમાં રહેતા બે શખ્સ અને અજાણ્યા એક શખ્સ મળી કુલ ત્રણ આરોપીઓ દ્વારા તલવાર છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વેપારીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ પાછળ જમીન દસ્તાવેજ બાબતે ચાલતા મન દુઃખ રાખી ઝઘડો કરી હુમલો કર્યા હોવાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
કલ્પેશભાઈ ભુપતભાઈ રવેશીયા દ્વારા બી ડીવીઝન પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા ભુપતભાઈ સાથે ગત તા. 04 નવેમ્બરના રોજ જનકલ્યાણ નગરમાં રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા ઝઘડો કરી રહ્યા હતા. રાજેન્દ્રસિંહના પુત્ર ઓમદેવસિંહના હાથમાં છરી હતી, જ્યારે રાજેન્દ્રસિંહે શેરીમાં પડેલી નંબર પ્લેટ વગરની કાળા રંગની થાર કારમાંથી તલવાર કાઢી હતી. હુમલો કરવા પહોચ્યા હતા પિતા સાથે થતી માથાકુટને પગલે તેઓ પિતાને બચાવવા વચ્ચે પડ્યા હતા આ ઘટનામાં કલ્પેશભાઈ પર રાજેન્દ્રસિંહે તલવારથી ગળાના ભાગે ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કલ્પેશભાઈએ બચાવમાં તલવાર પકડી લેતા તેમના જમણા હાથની આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી અને ચાર ટાંકા લેવા પડ્યા હતા. એટલું જ નહીં, ઓમદેવસિંહે છરી વડે કલ્પેશભાઈના જમણા સાથળમાં ઘા ઝીંક્યો હતો. આ ઈજાને પગલે તેમને ઓપરેશન કરાવવું પડ્યું હતું. જ્યારે થારમાંથી ઉતરેલા અન્ય એક અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે તેમના ડાબા સાથળના ભાગે માર માર્યો હતો.
હુમલાથી બચવા કલ્પેશભાઈએ બૂમાબૂમ કરતા ત્રણેય શખ્સો થાર કારમાં બેસીને નાસી છૂટ્યા હતા. જતા જતા હુમલાખોરોએ ફરી ભેગા થઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વધુમાં, કારમાં બેસતી વખતે રાજેન્દ્રસિંહના હાથમાં બંદૂક જેવું હથિયાર પણ જોવા મળ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર હુમલા પાછળ જનકલ્યાણ નગરમાં આવેલા મકાનના દસ્તાવેજ કરાવવાનો વિવાદ કારણભૂત હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. આ મામલે પિતા સાથે ઝઘડો ચાલતો હોવાથી વચ્ચે પડેલા કલ્પેશભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા, ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (બંને રહે. જનકલ્યાણ નગર, મોરબી-2) તેમજ એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

