મોરબી જિલ્લાના ટંકારા પોલીસ દ્વારા વ્યાજખોરીના વારંવારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તેમજ વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપી વિરુદ્ધ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મીતાણા ગામના રહેવાસી જયદિપ બાબુભાઈ બસીયા (ઉંમર 24 વર્ષ) વિરુદ્ધ પાસા વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
જેના પગલે ટંકારા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પાસા કાયદા હેઠળ અટકાયત કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. વ્યાજખોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

