ગુવાહાટી: આસામમાં બુધવારે પણ પૂરની પરિસ્થિતિ ગંભીર રહી હતી અને પૂરમાં વધુ બે જણે જીવ ગુમાવ્યા હોવાનું સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. આસામના નવ જિલ્લામાં નિર્માણ પામેલી પૂરની પરિસ્થિતિને કારણે અંદાજે ૫.૭૫ લાખ લોકોને અસર થઈ હતી.
મોત વધ્યા: આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (એએસડીએમએ) દ્વારા બહાર પાડવામાં આવેલા પૂર અંગેના દૈનિક અહેવાલમાં જણાવ્યા અનુસાર પૂરને કારણે નાગાંવ જિલ્લાના કામપુર અને કાચર જિલ્લાના સિલચર પ્રત્યેકમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

અસરગ્રસ્તોના આંકડા: કાચર, દારન્ગ, દિમા હાસાઓ, હોજાઈ, કામરુપ, કાર્બિ આન્ગલોન્ગ-પશ્ર્ચિમ, કરમગંજ, મોરિગાંવ અને નાગાંવ જિલ્લામાં નિર્માણ પામેલી પૂરની પરિસ્થિતિની ૫,૭૫,૪૦૦ લોકો પર અસર થઈ હોવાનું એએસડીએમએ દ્વારા બહાર પાડવામાં આવેલા પૂર અંગેના દૈનિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. નાગાંવ પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું અને અંદાજે ૩.૬૪ લાખ લોકો પર તેની અસર થઈ હતી. અનુક્રમે ૧.૬૩ લાખ અને ૪૧,૦૦૦ અસરગ્રસ્તો સાથે કાચર અને મોરિગાંવ ત્યાર પછીના ક્રમે રહ્યા હતા.
આટલા લોકોનું સ્થળાંતર: એનડીઆરએફના અધિકારીઓ, સેના, સિવિલ ડિફેન્સ, અર્ધલશ્કરી દળ, હવાઈ દળ, સિવિલ એડમિનિસ્ટ્રેશન, એસડીઆરએફ, અગ્નિશમન દળ અને ઈમર્જન્સી સર્વિસ, પોલીસના અધિકારીઓ તેમ જ વોલન્ટિયર્સોએ મળીને અત્યાર સુધીમાં ૨૬,૫૯૯ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. હાલને તબક્કે ૧,૦૭૩ ગામ, ૫૧,૬૭૧.૫૨ હેક્ટર ખેતીવાડીની જમીન પાણીમાં ડૂબેલી છે.

