રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસોમાં વધારો થયો છે. ત્યારે રવિવારે રાજકોટના એક કાર્યક્રમમાં પ્રદેશાધ્યક્ષ પાટીલ હાજર રહેવાના હતા. પરંતુ તેને એકાએક દિલ્હીનું તેડું આવતા અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમજ 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવાની પણ પીએમએ દ્વારા સૂચના આપી દેવાઈ છે. તેમજ આ દિવસે વડાપ્રધાન દિલ્હીથી વીડિયો કોન્ફરસ્નના માધ્યમથી કાર્યકરોને સંબોધન કરશે. તો સૌરાષ્ટ્ર જીતવા માટે પાટીલને સ્પષ્ટ પણે સૂચના આપી દેવાઈ છે.

આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદમાં રોડ શો યોજી ચૂંટણીનું બ્યૂગલ ફુંક્યું હતું. આ ઉપરાંત કાર્યકરો સાથે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે. પંજાબમાં વિજય મળ્યા બાદ કેજરીવાલની નજર હવે મોદીના હોમ સ્ટેટ ગુજરાત ઉપર પડી છે. આગામી તા. 22, 24મીએ વડાપ્રધાન મોદી દાહોદમાં આદિવાસી સંમેલન સંબોધિત કરવાના છે

ગુજરાત ભાજપે પણ ભાજપ સ્થાપના દિન ઉજવવા માટે ધારાસભ્યો સાંસદોને જિલ્લા મથકો ઉપર હાજર રહેવા સૂચના આપી છે. આ ઉપરાંત બુથ વાઇઝ કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. રવિવારે પાટીલ રાજકોટમાં સામાજીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. જો કે, છેલ્લી ઘડીએ તેમનો દિલ્હીનો પ્રવાસ નક્કી થતા હવે તેઓ વર્ચ્યુઅલ હાજરી આપી સંબોધન કરશે.

આ રીતે ભાજપ પ્રદેશ પ્રમુખનો રાજકોટનો કાર્યક્રમ રદ થતા અનેક તર્ક વિતર્ક ઉઠયા છે. ખાસ કરીને તેમને દિલ્હી બોલાવાતા ચૂંટણી અંગેના અનુમાનો શરૂ થયા છે. રાજકોટ થોડા મહિનાઓથી સતત સૌરાષ્ટ્રના પ્રવાસો કરી રહ્યાં છે. જેઓએ સૌરાષ્ટ્રને પોતાનું ફોક્સ બનાવ્યું છે. ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપને ઝટકો લાગતાં હવે પાટીલ આ બેઠકો કબજે કરવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.

