ટંકારા તાલુકાના સરાયા ગામમાં રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ટંકારા પોલીસે ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 1 અને 2 ઓગસ્ટની મધરાત દરમિયાન સરાયા ગામે આવેલા એક મકાનમાં અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી લોખંડના કબાટની તિજોરીમાંથી અંદાજે બે તોલાની સોનાની માળા અને રૂ. 15 હજાર રોકડ મળી કુલ રૂ. 1.72 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન રાજકોટ-મોરબી હાઇવે પર આર્ય સ્કૂલ સામે જબલપુર પાટિયા નજીક એક શંકાસ્પદ યુવાનની પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં સંતોષકારક જવાબ ન આપતા પોલીસે કડક પૂછપરછ કરતાં તેણે સરાયા ગામમાં થયેલી ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી કરણભાઈ મનુભાઈ વાછાણી (ઉં.વ. 20), હાલ દોલતપરા, જૂનાગઢ ખાતે રહેતા, તેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરીના મુદ્દામાલમાંથી રૂ. 9,300 રોકડા તેમજ એક મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે. હાલ આરોપીના રિમાન્ડ મેળવી ચોરીમાં ગયેલા બાકીના મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

