HomeGujaratમોરબી: IPO અને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ઉદ્યોગપતિ સાથે રૂ.1.54 કરોડની...

મોરબી: IPO અને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ઉદ્યોગપતિ સાથે રૂ.1.54 કરોડની ઓનલાઈન છેતરપિંડી

મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા અને ટાઇલ્સનું કારખાનું ચલાવતા ઉદ્યોગપતિ સાયબર ઠગોના નિશાન બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શેરબજાર અને IPOમાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપી ઠગોએ ઉદ્યોગપતિ પાસેથી અલગ-અલગ બેંક ખાતામાં કરોડો રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ મામલે પીડિતે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ઉદ્યોગપતિ વિશાલ ભરતભાઈ મણવરનો માર્ચ 2024 દરમિયાન વોટ્સએપ કોલ મારફતે અનન્યા શ્રીનિવાસન નામની વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. આરોપીએ શેરબજાર અને IPOમાં રોકાણ અંગે વિશ્વાસમાં લઈ ‘EXSECMAX’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ તેમને ’16 Wealth Growth Community’ નામના વોટ્સએપ ગ્રૂપમાં પણ જોડવામાં આવ્યા હતા. આ ગ્રૂપ મારફતે IPO ટ્રેડિંગમાં રોકાણ કરવાથી નોંધપાત્ર નફો થતો હોવાનો વિશ્વાસ પેદા કરવામાં આવ્યો હતો. જેના પગલે જુલાઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન ઉદ્યોગપતિએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 1,58,10,000નું રોકાણ કર્યું હતું.

રકમ જમા કરાવ્યા બાદ સંબંધિત એપ્લિકેશનમાં તેમને રોકાણ સામે મોટો વર્ચ્યુઅલ નફો થતો હોવાનું દર્શાવવામાં આવતું હતું. જોકે વાસ્તવમાં પીડિતને માત્ર રૂ. 4 લાખની રકમ જ પરત મળી હતી. બાકીની રૂ. 1,54,10,000ની રકમ પરત મેળવવા માટે પ્રયાસ કરતા આરોપીઓએ સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, જે વોટ્સએપ ગ્રૂપ મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો તે પણ બાદમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાને પગલે વિશાલ મણવરે અનન્યા શ્રીનિવાસન સહિત અન્ય પાંચ એકાઉન્ટ ધારકો સામે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ અને સંબંધિત બેંક ખાતાઓ અંગે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW