ચોમાસાની સીઝનમાં રસ્તાની કામગીરી કેવી થઈ છે એનો આખો રીપોર્ટ મળી આવે છે. ગુણવત્તા રોડની ચોમાસામાં મપાઈ જાય છે. પણ મહાનગર અમદાવાદ શહેરમાં ખરાબ રસ્તાની સમસ્યા કાયમી થઈ ગઈ છે. શહેરમાં એક વિસ્તાર કે એક રૂટ એવો નથી કે, જ્યાં મસમોટા ખાડા ન હોય. આ મુદ્દાની નોંધ લઈને અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર લોચન સહેરાએ અધિકારીઓને ખખડાવ્યા છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, શહેરમાં એક કિમી જેટલો રસ્તો પણ સારો નથી. આમ AC ઓફિસમાં બેસીને કામ ન થાય.
સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં રસ્તાની સ્થિતિ મગરમચ્છની પીઠ જેવી છે. સારા રસ્તા તૈયાર કરવા માટે કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવે છે. પણ પ્રજાને ખરા અર્થમાં સારા રસ્તા મળતા નથી. હાઈકોર્ટના આદેશ બાદ રસ્તાને લઈને કોર્પોરેશન કમિશનર લોચન સહેરાએ આંખ લાલ કરી છે. રસ્તાને લઈને અધિકારીઓની લોલમલોલ જેવી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી છે. રોડ રસ્તા મુદ્દે બોલાવેલી એક રીવ્યૂ બેઠકમાં અધિકારીઓને રીતસરના ઝાટકી નાંખ્યા હતા. આકરા શબ્દોમાં અધિકારીઓને કહ્યું હતું કે, શહેરના તમામ રસ્તાઓની સમિક્ષા કરવામાં આવે. અમાદાવાદમાં તો ફૂટપાથની સ્થિતિ પણ સારી નથી. આ અંગે એક્શન લેવામાં આવે. ગુજરાત હાઈકોર્ટમાં શહેરમાં સારા તથા મજબુત રોડ બની રહ્યા હોવાના દાવા કોર્પોરેશન તરફથી કરાયા હતા. આ કામગીરીનો રીપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો. પણ તંત્રના દાવા વચ્ચે હકીકત જુદી જ સામે આવી હતી. વિપક્ષે એવો દાવો કર્યો હતો કે, વર્ષ 2021-22માં રસ્તા રિસરફેસ માટે 247 કરોડ ખર્ચાયા છે. અમદાવાદમાં જ્યાં નજર કરીએ ત્યાં રોડ રસ્તાઓ ખોદેલી હાલતમાં પડ્યા છે. જ્યારે ફૂટપાથ પર ગંદકીના ગંજ જામેલા પડ્યા છે. ખોદકામ કર્યા બાદ મહિનાઓ સુધી રસ્તાઓને લેવલ કરવાનું કામ થતું નથી.

જેના કારણે અમદાવાદીઓને હાલાકી ભોગવવી પડે છે. દર વખતે રસ્તા બની ગયા બાદ કોર્પોરેશનને યાદ આવે છે કે, ગટરલાઈન બાકી છે. એટલે નવો નક્કોર રસ્તો તોડી પાડવામાં આવે છે. રૂટ ડાઈવર્ટ કરીને લાંબા સમય સુધી બીજા રસ્તાઓ પરથી ફરીને જવું પડે છે. રસ્તો બનાવતી વખતે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. પછી એના સમારકામ માટે બીજા લાખો રૂપિયા ખર્ચાય છે. પ્રજા પાસેથી ટેક્સના પૈસા પઠાણી ઉધરાણીની જેમ વસુલવામાં આવે છે. પણ સુવિધા આપવામાં મીંડું સાબિત થયું છે. આ ઉપરાંત રસ્તાની કામગીરી પણ ગોકળગાયની જેમ ચાલે છે. જેના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો પ્રજાનો આવે છે. પ્રજા એવી આશા રાખે છે કે, કમિશનરે ઉધડો લીધા બાદ અધિકારીઓ દોડતા થશે અને નવા રસ્તા મળશે.

