ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં પાકીટ ચોરીની શંકાએ એક ખેતમજૂર યુવકની નિર્દય હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાડીમાં સાથે કામ કરતા યુવકે લાકડાના ધોકા વડે હુમલો કરતાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવને પગલે ટંકારા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, રાજકોટના રતનપર ખાતે રહેતા અને મૂળ નસીતપર ગામના ખેડૂત અશોકસિંહ હનુભા ઝાલાની નસીતપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મોરબીના વીસીપરા વિસ્તારનો રવિભાઈ બાબુભાઈ ચોરાસા છેલ્લા એક વર્ષથી ખેતમજૂર તરીકે રહીને કામ કરતો હતો. ગત 28 જૂન, 2026ના રોજ તાજીયાના પ્રસંગે રવિભાઈ તથા તેના મિત્રો અમીન પલેજા, અનિલ મકવાણા, કનુ તીતી અને હાસમ ચીચો વાડીની ઓરડી પાસે ભેગા થયા હતા.
આ દરમિયાન રાત્રે આશરે 10 વાગ્યે અનિલ અશ્વિનભાઈ મકવાણાનું પાકીટ ગુમ થઈ જતાં તેણે તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પાકીટ રવિભાઈ પાસેથી મળી આવતાં અનિલને તેની ઉપર ચોરીની શંકા ગઈ હતી. આ મુદ્દે બંને વચ્ચે તકરાર સર્જાઈ હતી. આક્ષેપ છે કે, અનિલ ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા વડે રવિભાઈના માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં આડેધડ પ્રહારો કર્યા હતા. હુમલામાં રવિભાઈને ગંભીર ઈજાઓ પહોંચી અને માથામાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું. ત્યાં હાજર અન્ય સાથીઓ ઈજાગ્રસ્ત રવિભાઈને મોટરસાયકલ પર સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેની સ્થિતિ વધુ ગંભીર બનતાં તે બેભાન થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ સમગ્ર બનાવ અંગે વાડીના માલિક અશોકસિંહ હનુભા ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં અનિલ અશ્વિનભાઈ મકવાણા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

