રશિયા-યુક્રેનના યુદ્ધ વખતે શરૂઆતમાં એવા જોક્સ ફરતા થયા હતા કે રશિયા એકાદ મિસાઈલ ભૂલથી પાકિસ્તાનમાં મોકલી દે તો કેવું સારું. એ તો જોક્સ હતા. પણ હકીકતમાં 9મી માર્ચે એવી જ ઘટના બની છે. ઈન્ડિયન આર્મી દ્વારા ભૂલથી એક મિસાઈલ છોડી દેવામાં આવ્યું હતું. આ મિસાઈલ જઈને પાકિસ્તાનમાં પડી હતી. સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે તેની આજે જાણકારી આપી હતી. મિસાઈલનું મેઈન્ટેનન્સ ચાલતું હતું એ દરમિયાન આ ગફલત થઈ હતી.

પાકિસ્તાને જોકે ગુરુવારે રાતે પોતાના પ્રદેશમાં કોઈ ભારતીય ફ્લાઈંગ ઓબ્જેક્ટ આવ્યાની ફરિયાદ કરી હતી. પાકિસ્તાની ટીની ચેનલ પીટીવી પર એ ઓબ્જેક્ટ ત્રાટકવાનો નકશો પણ રજૂ કર્યો હતો. પાકિસ્તાને જાહેર કરેલી વિગત મુજબ પાકિસ્તાનના ઉત્તર-પૂર્વમાં ભારતની સરહદ પાસે આવેલા ખાનેવાલ જિલ્લાના મિલાન છાનુ નજીક આ ઘટના બની હતી. ભારત સરકારે શરૂઆતમાં આ મુદ્દે મૌન ધરી રાખ્યું હતું. એટલે પાકિસ્તાન સરકારે તુરંત વિરોધ પણ કર્યો હતો.
On 9 March 2022, in the course of routine maintenance, a technical malfunction led to the accidental firing of a missile. The Government of India has taken a serious view and ordered a high-level Court of Enquiry: Ministry of Defence
— ANI (@ANI) March 11, 2022
ઈસ્લામાબાદમાં રહેલા ભારતના એમ્બેસેડર સમક્ષ પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાને જાહેર કરેલી વિગત મુજબ મિસાઈલનો પ્રહાર 9મી માર્ચે સાંજે 6-43 વાગ્યે થયો હતો. પાકિસ્તાનના દાવા મુજબ આ પ્રહાર સુપરસોનિક વેગે થયો હતો. એટલે આ મિસાઈલ જગતના સૌથી ઘાતક મિસાઈલમાં સ્થાન પામતુ બ્રાહ્મોસ હોય એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. ભારત સરકારે આ અંગે બહુ મર્યાદિત વિગતો જાહેર કરી છે. માટે પાકિસ્તાનના દાવા કેટલા સાચા અને કેટલા ખોટા એ અત્યારે તો નક્કી થઈ શકતું નથી.

ભારત સરકારે આ ભૂલ માટે તુરંત ખેદ વ્યક્તિ કરી લશ્કરી કોર્ટમાં તપાસ આદરી દીધી હતી. આ મિસાઈલ ક્યાંથી રવાના થયું હતું, મિસાઈલ ક્યા પ્રકારનું હતું, પાકિસ્તાનના ક્યા પ્રાંતમાં પ્રહાર થયો હતો વગેરે વિગતો ભારત સરકારે જાહેર કરી ન હતી. ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં રહેલા વિવિધ શસ્ત્રો જરૂર પડે ત્યારે એક સેકન્ડની પણ વાર લગાડ્યા વગર કામ આપી શકે એ માટે સતત તેનું મેન્ટેનન્સ થતું હોય છે. પ્રેક્ટિસ માટે ફાયરિંગ પણ કરવામાં આવતું હોય છે. પરંતુ આ કિસ્સો મેન્ટેનન્સ દરમિયાન ભૂલમાં મિસાઈલ છોડવાનો બન્યો છે.

