મહાનગરમાં રસ્તાની ગુણવત્તાની પોલ સામન્ય રીતે ચોમાસાની સીઝનમાં ખુલે છે. પણ હજું તો ગરમીની સીઝનની શરૂઆત થઈ છે. ત્યાં મહાનગર અમદાવાદમાંથી ખરાબ રસ્તાની ફરિયાદ ઊઠી છે. પણ આ ફરિયાદ પણ ક્યાંય સરખી નથી. તંત્ર જ્યા બિલ્ડરો પર મહેરબાન છે ત્યાં રસ્તા ચકાચક થઈ ગયા છે. બાકીના વિસ્તારમાં રોડની હાલત કંગાળ છે. એટલે તંત્રએ એકને ખોળ બીજાને ગોળ જેવું વર્તન કરતા ભોગ પ્રજાનો લેવાયો છે.
અમદાવાદના રોડ રસ્તાની સ્થિતિ અત્યારથી બિસમાર થઈ ચૂકી છે. કોઈ સોસાયટી કે વિસ્તારના તો ઠીક મુખ્ય રસ્તાઓ પણ મગરમચ્છની પીઠ સમાન બની ગયા છે. આ બાબતે ગુજરાત હાઇકોર્ટે પણ અનેક વાર ઝાટકણી કાઢી છે. પરંતુ હવે અમદાવાદવાસીઓમાં એવી ચર્ચા છે કે કોર્પોરેશનને નાગરિકો નહીં પરંતુ બિલ્ડરોને લાભ થાય ત્યાં સારા રસ્તા બનાવી કાઢે છે. આર્થિક લાભ ખાટવામાં વધારે રસ છે. એવો ઘાટ જોવા મળ્યો છે. અમદાવાદ શહેરના રોડ રસ્તા ચોમાસું શરૂ થાય એ પહેલા ખખડી ગયા છે. ગુજરાત હાઇકોર્ટ એ અનેકવાર સૂચના આપી છે કે રોડ રસ્તા સારા બનાવો. પણ કોર્પોરેશન હવે હાઈકોર્ટના આદેશને પણ ગાંઠતું નથી. બસ બિલ્ડરોને સાચવી લે છે. મહાનગરપાલિકા ને તો પ્રજાની પડી જ નથી. આ મામલે જ્યારે એક રિયાલીટી ચેક કરાયું ત્યારે તંત્રની પોલ ઉઘાડી પડી ગઈ હતી. અમદાવાદના વટવાની ટીપી 128 કે જયાં હજુ કોઈ ‘વિકાસ’ થયો નથી. અમદાવાદ કોર્પોરેશન તરફથી અહીં મસ્ત વિદેશના દેશ જેવો રોડ બનાવી દેવામાં આવ્યો છે. કારણ કે ટીપી પડયા બાદ અહીં બનતી ઇમારતોના-મકાનોના ભાવ બિલ્ડરોને સારા મળે. જોકે, આમ પણ લોકડાઉનના કાળ બાદ મકાનના ભાવ એકાએક વઘ્યા છે. તે માટે રોડ રસ્તા તો સારા હોવા જરૂરી છે.

પણ અમદાવાદીઓમાં ચર્ચા છે કે આ રોડ મિલીભગતથી તૈયાર કરી દેવામાં આવે છે. જેના કારણે જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં સારા રસ્તા બની શકતા નથી. અમદાવાદનાં શહેરના એવા કેટલાય વિસ્તારો છે. જ્યાં ખરા અર્થમાં સારા રસ્તાની જરૂર છે. પણ પ્રજા હજુ પણ એવા ખખડધજ રસ્તાથી ત્રાસેલી છે. આ રસ્તા પર કામ થવાના બદલે તે રસ્તા બિસમાર હાલત મા જોવા મળી રહયા છે. અમદાવાદથી નજીક ભમરીયાથી લાંભા સુધીનો રોડ છેલા 3 વર્ષ થી ખખડી ગયેલી સ્થિતિમાં છે. જ્યારે પણ સ્થાનિકોની આ રોડ પરથી પસાર થાય છે ત્યારે એની કમર તૂટી જાય છે. પણ હકીકત જાણે કોણ અને પ્રજાનું સાંભળે કોણ? કાન વગરના કોર્પોરેટર અને નીતિ વગરના નેતાઓ ચૂંટણી વખતે દોડાદોડી કરે છે પણ પછી કોઈ પ્રજાને સુંધતું પણ નથી.
બીજી તરફ રોડ નજીક આવેલી ટીપી 82 પર મસ્તમજાનો રોડ કોર્પોરેશને તૈયાર કરી નાંખ્યો છે. આ ટીપી 82 પર હજુ તો બિલ્ડરોએ મકાનના પાયા નાંખ્યા છે. કોઈ મકાન તૈયાર પણ નથી.
તે પેહલા જ મસ્ત ચકાચક રસ્તા બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી છે. આ વિસ્તારની પ્રજાનો ગુસ્સો યોગ્ય પણ છે. દરરોજ જતાં આવતા અકસ્માતો અને રોડ રસ્તાની ખખડી ગયેલી હાલતમાં ડ્રાઇવિંગ કેવી રીતે કરવી એની ખબર પડતી નથી. સામે જ્યાં હજુ કોઈ રહેવા પણ નથી આવ્યું અને મકાનો હજુ તો બની રહ્યા છે ત્યાં એકદમ મસ્ત રોડ જોવા મળે છે. અમદાવાદ શહેરમાં આ વિસ્તારની પ્રજા પણ ટેક્સ ભરે છે છતાં તેમને રોડ સારા નથી મળી રહયા. પણ કોર્પોરેશન બિલ્ડરો માટે જ બનેલી હોય અને એને જ સાચવવાના હોય એવો ઘાટ છે. પ્રજા માટે ક્યારે સારા રોડ બનશે તે જોવું રહ્યું.

