તાજેતરમાં સાંસદ મનસુખ વસાવાએ કરજણ મામલતદાર તેમજ સ્ટાફ સાથે ગાળાગાળી કરતા મામલો હવે ગરમાયો છે. વડોદરા અને રાજકોટમાં મામલદાર સ્ટાફે માસ CL મૂકીને આ ઘટનાનો વિરોધ કર્યો છે. રાજકોટ સહિત ગુજરાતમાં મામલતદારો તરફથી સાંસદ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મામલતદારો અને કર્મચારીઓએ માસ સીએલ મૂકી સાંસદ સામે વિરોધ નોંધાવ્યો છે.
સાંસદ મનસુખ વસાવા મામલતદારની માફી માંગે તેવી માંગ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે પણ મામલતદારોએ કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે શુક્રવારે રાજ્યભરમાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શુક્રવારે સવારથી જ રાજકોટ સહિત રાજયભરના 17000 મહેસુલી કર્મચારીઓ એક દિવસની માસ સી.એલ. મૂકી પોતાની દરરોજની કામગીરીથી દૂર રહ્યા છે. આથી રાજકોટ સહિત રાજયભરમાં શુક્રવારે મહેસુલી કામગીરી અટકી હતી. આજની આ હડતાલમાં રાજયભરનાં 500 મામલતદારો જોડાયા છે.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે માસ મામલતદારો ધરણા પર બેઠા હતા. જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ (વર્ગ-3)ના હોદ્દેદારો કિરીટસિંહ ઝાલા, એચ.ડી. રૈયાણી, વિગેરેએ જણાવેલ હતું કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા તા.22/2/2022ના રોજ માલોદ તા.કરજણ ખાતે થયેલ અકસ્માત સંદર્ભે કરજણના મામલતદાર કચેરીના સ્ટાફ સાથે ફરજના ભાગ રૂપે અકસ્માત સ્થળ ખાતે રૂબરૂ ગયેલ હતા. આ સમયે ભરૂચના સાંસદ ત્યાં હાજર હતા, સાંસદ દ્વારા કોઈપણ જાતની તપાસ વિના મહેસુલી સ્ટાફને મનફાવે તેમ બોલી બીભત્સ ગાળો ભાંડી હતી. ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિયેશન દ્વારા બંને સંબંધિત પદાધિકારીઓ જાહેરમાં મામલતદારની માફી માંગવા માટે અને તેમના વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને વડોદરામાં આવેદનપત્ર આપવામા આવ્યું છે.

સાંસદ તરફથી કોઈ પ્રકારનો જવાબ ન મળતા અંતે સંઘે વિરોધ-આંદોલન શરૂ કર્યું છે. માસ સીએલ પર ઊતરી જવાના કારણે રાજકોટ, વડોદરા, હળવદમાંથી મામલતદારે આ ઘટનાનો વિરોધ કર્યો છે. વડોદરાના નાયબ મામલતદાર હરદેવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અન્ય કોઇ મામલતદારો જાહેરમાં અપમાન ન કરે તે માટે અમે એક થયા છે. આ અમારા સન્માનની લડાઈ છે. સાસંદ અને માજી ધારાસભ્ય દ્વારા જાહેરમાં માફી માંગવામા નહીં આવે ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો ચાલું રખાશે

