મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પાનેલી ગામની સીમમાંથી તીનપત્તીનો જુગાર રમતા 14 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4,70,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી એલ.સી.બી. અને પેરોલ સ્કવોડના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, પાનેલી ગામની સીમમાં રાતાવીરડા તરફ જતા કાચા રસ્તા નજીક ધામણીયા વિસ્તારમાં આવેલી ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારીયાની વાડીની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડવામાં આવે છે.
બાતમીના આધારે પોલીસ ટીમે પંચો સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા, લખમણભાઇ મેરાભાઈ બતાડા, ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ચાવડા, જયેશભાઈ લાલજીભાઈ ચાવડા, રમેશભાઈ ભગવાનજીભાઈ ચાવડા, જગદીશભાઈ ગંગારામભાઈ ચાવડા, રમેશભાઈ મડીયાભાઈ બારીયા, પ્રવીણભાઈ તેજાભાઈ ચાવડા, મયાભાઈ હીરાભાઈ પાંચિયા, સવજીભાઈ મેપાભાઇ ફીચડીયા, ભુરાભાઈ જામાભાઈ બતાડા, કાનજીભાઈ શીવાભાઈ ચાવડા, રણજીતભાઈ નારણભાઈ ગમારા, કાંતિલાલ સવજીભાઈ ચાવડા સહિત કુલ 14 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામને રોકી તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન સહિત રૂ.4,70,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે પકડાયેલા તમામ 14 શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

