મોરબી શહેરમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટાબાજીનો ધંધો ધમધમતો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની પેટ્રોલિંગ ટીમે બાતમીના આધારે દરોડો પાડી WBBL-2026 મહિલા ક્રિકેટ લીગની મેચ પર રન અને હારજીતનો સટ્ટો રમતા શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય એક શખ્સની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘનશ્યામ માર્કેટ નજીક ભવાની સોડાવાળી શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં યુનુસભાઈ કાસમભાઈ દલવાણી પોતાના મોબાઈલમાં CREX એપ્લિકેશન મારફતે WBBL-2026માં SYS અને MLS વચ્ચે રમાઈ રહેલી મહિલા ક્રિકેટ મેચનો લાઈવ સ્કોર જોઈ રન અને હારજીતનો સટ્ટો રમતો અને રમાડતો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી મોબાઈલ ફોન, ક્રિકેટના આંકડા લખેલી ચિઠ્ઠી અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ દરમિયાન આ સટ્ટાકાંડમાં ઇમ્તિયાઝ ઉર્ફે બાલો અબ્દુલભાઈ ચાનીયાની સંડોવણી સામે આવતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે ફિરોઝ માજોઠી નામના અન્ય શખ્સનું નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.
આમ, પોલીસે બે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 35,800નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ 12(એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

