HomeGujaratમોરબીમાં વરસાદ થંભી ગયાને સપ્તાહ થયું છતાં પીવા માટે થઇ રહ્યું છે...

મોરબીમાં વરસાદ થંભી ગયાને સપ્તાહ થયું છતાં પીવા માટે થઇ રહ્યું છે દૂષિત પાણીનું વિતરણ

મોરબી શહેરની આશરે 4 લાખથી વધુ વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા મહાકાય મચ્છુ-2 ડેમના ઓવરફ્લો બાદ શહેરમાં કેટલાય દિવસથી ગટર જેવા દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે પણ પાણીના યોગ્ય શુદ્ધિકરણ માટે તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં ન આવતી હોવાના કારણે જન આરોગ્ય સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

મચ્છુ-2 ડેમ ગત 24 જુલાઈના રોજ ઓવરફ્લો થયો હતો અને ત્યારબાદ ગત શનિવારે ફરી એક વખત ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી આવતા પાણીમાં માટી અને ગંદકીનું પ્રમાણ વધવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત અને ગટર જેવા રંગનું આવતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

મોરબી શહેરના વાવડી રોડ, પંચાસર રોડ, રવાપર રોડ, શનાળા રોડ તેમજ સામાકાંઠ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થઇ રહ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની ચિંતા વધી છે.

આક્ષેપ મુજબ, શહેરના ફિલ્ટર પ્લાન્ટની યોગ્ય જાળવણીના અભાવે પ્લાન્ટમાં ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉપરાંત, સાધનોમાં ટેકનિકલ ખામીઓ હોવાના કારણે પાણીનું પૂરતું શુદ્ધિકરણ કરવાની પ્લાન્ટની ક્ષમતા પણ પ્રભાવિત થઈ હોવાનું કહેવાય છે.

બીજી તરફ, મચ્છુ ડેમના ઉપરવાસમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોને કારણે વરસાદી પાણી સાથે માટી અને અન્ય દૂષિત તત્વો ડેમમાં પહોંચ્યા હોવાની ચર્ચા છે. જેના પરિણામે ડેમમાં સંગ્રહિત પાણીની ગુણવત્તા પર પણ અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીનું યોગ્ય શુદ્ધિકરણ કરી લોકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને લઈને મનપાની પાણી વિતરણ અને શુદ્ધિકરણ વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,580SubscribersSubscribe

TRENDING NOW