છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હરેશ્વર ગામ પાસે એક જીવલેણ ઘટના બની છે. જેમાં સ્થાનિકોએ ડ્રાઈવરને પકડીને અર્ધનગ્ન કરીને ફટકાર્યો હતો. એક ક્રેઈન ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. જેમાં ક્રેઈનનું ટાયર મહિલાના માથા પર ફરી વળતા મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે જ મહિલાનું મોત થતા લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનાને કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળતા મામલો ગરમાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ટીમ યુદ્ધના ધોરણે આવી પહોંચી હતી.

સ્કૂટર પર બેસાડીને પોલીસ ક્રેઈન ચાલકને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. સંખેડા તાલુકાના હરેશ્વર ગામે ગુરૂવારે સવારે એક ક્રેઈન ચાલકે સુમિત્રાબેન રાજુભાઈ તડવી નામના એક મહિલાને અડફેટે લીધા હતા. મહિલાના માથા પરથી ક્રેઈનનું ભારે ભરખમ ટાયર ફરી વળતા આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મહિલાનું મોત નીપજતા લોકો ગુસ્સે ભરાયા હતા.

ક્રેઈન ચાલકને પકડીને તેને રસ્તા વચ્ચે અર્ધનગ્ન કરીને ફટકાર્યો હતો. સ્થાનિકોએ એના કપડાં ફાડી નાંખ્યા હતા. પોલીસે ચાલકને સ્થાનિકો પાસેથી છોડાવી લીધો હતો. પછી એને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. આ મામલે પોલીસે એની પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે. મહિલા ક્રેઈનના ટાયર પાસે પડી જતા એનું માથું ટાયર નીચે આવી ગયું હતું. જોકે, ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. થોડા સમય માટે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો.

જોકે, પોલીસે મામલો ઉકેલતા ચાલકને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. માત્ર હાઈવે પર જ નહીં જુદા જુદા જિલ્લાઓમાં પણ માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે. ખાસ કરીને ભારે વાહનો માટે નિયમ અને સમય નિશ્ચિત હોવા છતાં કોઈ કાળે એનું પાલન થતું નથી. ટ્રાફિક ડ્યૂટીમાં રહેલી પોલીસ પણ આ અંગે કોઈને પૂછપરછ કરતી નથી. જેના કારણે આવી જીવલેણ ઘટના સામે આવે છે. જેમાં જીવ ગુમાવવાનો વારો સામાન્ય લોકોનો આવે છે. પોલીસે પણ આ મામલે કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે.

