અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે આજે અમદાવાદમાં કોરોનાના નવા 1660 કેસ નોંધાયા છે તો બીજી તરફ ઓમિક્રોનના કેસો પણ સતત વધી રહ્યાં છે. ઓમિક્રોનના આજે 34 કેસ નોંધાયા છે. કોરોના વિસ્ફોટ બાદ એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકાની ક્ષમતા સાથે ચલાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના અને ઓમિક્રોનના કેસો ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે. કોરોના અને ઓમિક્રોનના વિસ્ફોટ વચ્ચે આજે એએમસીની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિબંધ લાગુ કર્યાં છે. જેમાં શહેરમાં 50 ટકાની ક્ષમતા સાથે જ એએમટીએસ અને બીઆરટીએસસ બસ ચલાવવા માટે નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં મુસાફરી કરતા લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. નિયમ પ્રમાણે સોશયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે અપીલ કરાઈ છે.

આ ઉપરાંત મુસાફરી કરતા પહેલા વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો જ એએમટીએસ અને બીઆરટીએસ બસોની ટીકીટ મળશે તેવો નિર્ણય પણ અમ્યુકો દ્વારા લેવાયો છે. જો કોરોનાના કેસ ઘટશે નહીં તો બે દિવસ બાદ વધારે પ્રતિબંધો લાગુ કરાશે તેમ સત્તાધિશોએ જણાવ્યું છે.

