બે મહિના પહેલા દિવાળીની ભેંટ આપતા મોદી સરકારે પેટ્રોલિયમના ઉત્પાદક કોસ્ટમાં મોટો ઘટાડો કર્યો હતો. એ પછી દેશના રાજ્યોએ વેટ ઘટાડીને સામાન્ય નાગરિકોને મોટી રાહત આપી હતી. હવે ઝારખંડની હેમંત સોરેન સરકારે રાજ્યમાં બાઈક ચલાવતા લોકોને એક મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. હેમંત સોરેને કહ્યું કે, ઝારખંડ પ્રદેશ સરકારે રાજ્ય સ્તરે ટુ વ્હીલર વાહનો માટે પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 25ની રાહત આપશે. આ નવી વ્યવસ્થા આગામી તા.26 જાન્યુઆરીથી લાગૂ થશે. સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ કેવી રીતે શક્ય બનશે. હાલના સમયમાં રાંચીમાં ડીઝલ રૂ.91.56 પ્રતિ લીટરના હિસાબથી વેચાઈ રહ્યું છે.

બીજી તરફ પેટ્રોલ માટે ત્યાંના લોકોને રૂપિયા રૂ.98.52 પ્રતિ લિટર ચૂકવવા પડે છે. એટલે કે તા.26 જાન્યુઆરીથી ઝારખંડમાં ટુ વ્હીલર વાહન ચલાવનારા લોકોને પેટ્રોલ રૂ.73.52 પ્રતિ લીટરના ભાવે મળશે. હેમંત સોરેનની જાહેરાત સાંભળ્યા પછી દરેક લોકો એ વિચારી રહ્યા છે કે આખરે આટલી મોટી રાહત કેવી રીતે આપવામાં આવશે. ત્યારે પેટ્રોલ-ડીઝલમાં કેટલા પ્રકારના ટેક્સ કે ચાર્જ લાગે છે એ જાણીએ. પેટ્રોલ પર મુખ્ય રીતે ત્રણ ચાર્જ લાગે છે. પહેલાં તો ઉત્પાદક શુલ્ક, જે કેન્દ્ર લગાવે છે. જેને ઘટાડવો હેમંત સોરેનના હાથમાં નથી. બીજું છે ડીલરનું કમિશન. જે પેટ્રોલ પર 3.78 રૂપિયાની આસપાસ હોય છે. ડીલર પણ પોતાનું કમિશન ન છોડે. રાજ્યોના હાથમાં આવે છે માત્ર વેટ, જેને ઘટાડી કિંમતમાં ઘટાડો કરી શકે છે. અત્યારના સમયમાં ઝારખંડમાં ડીઝલ-પેટ્રોલ પર વેટ લગભગ 22 ટકા લાગે છે. જેને ઘટાડવાની સતત માગ થઈ રહી છે. એટલે કે રૂપિયામાં એની કિંમત કેલ્યુકેટ કરીએ તો પેટ્રોલ પર ઝારખંડ સરકાર 17.60 રૂપિયા પ્રતિ લીટરના અંદાજે વેટ લગાવે છે. એટલે કે હેમંત સોરેને પોતાનો વાયદો પૂરો કરવા માટે આખે આખો વેટ છોડવો પડશે. એ પછી પણ લગભગ 7.40 રૂપિયા પ્રતિ લીટરની વધારાની સબસીડી આપવી પડશે. ત્યારે જઈને બાઈક ચલાવનારાઓને રૂપિયા 25 સસ્તુ પેટ્રોલ આપી શકશે.

