મોરબી શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાને લઈને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન, ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી કુદરતી વરસાદી નિકાલ માર્ગો પર થયેલા દબાણો દૂર કરવાની માંગ કરી છે. આ આવેદનની નકલ જિલ્લા કલેક્ટર અને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પણ મોકલવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે શહેરમાં સામાન્ય વરસાદ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોવાથી રસ્તાઓને નુકસાન પહોંચે છે, ગટર વ્યવસ્થા ખોરવાય છે અને ગંદા પાણી ભરાવાથી રોગચાળો ફેલાવાનો ભય ઉભો થાય છે. ઉપરાંત જાહેર નાણાંથી બનેલા રસ્તાઓને વારંવાર નુકસાન થતાં સરકાર પર વધારાનો આર્થિક બોજ પડે છે.
સંસ્થાએ ઉમિયા સર્કલથી રામચોક, હીરાસરી રોડથી એવન્યુ પાર્ક, રવાપરથી નરસંગ ટેકરી થઈ એવન્યુ પાર્ક, એસ.પી. રોડથી વજેપર, રામચોકથી વાઘપર થઈ મચ્છુ નદી, સાવસર પ્લોટથી નવી રેલવે કોલોની, શનાળા-સથવારા વાડી વિસ્તાર તેમજ પોલીસ લાઈનથી મચ્છુ નદી સુધીના કુદરતી વરસાદી વોકળાઓ પર થયેલા દબાણો દૂર કરવા અથવા વૈકલ્પિક નિકાલ વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે. ઉપરાંત વી.સી.પરા, મહેન્દ્રનગર, ત્રાજપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા આ મુદ્દે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે.

