નવી દિલ્હી, શુક્રવાર
ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર કોરોનાનું સંકટ ઘેરાવા લાગ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને યુપીની ચૂંટણીઓ ટાળવાનું સૂચન આપ્યું હતું. આના પર હવે ચૂંટણી પંચની પ્રતિક્રિયા સામે આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યુ છે કે તેઓ આગામી સપ્તાહે સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉત્તરપ્રદેશ જઈ રહ્યા છે. તેના પછી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તેમણે કહ્યુ છે કે ચૂંટણી પંચ કોરોનાથી નિપટવા માટે તૈયાર અને તમામ તૈયારીઓ કરી ચુક્યું છે.
દેશમાં કોરોનાના મામલા વધવા લાગ્યા છે અને નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ 350થી વધુ થઈ ચુક્યા છે. કોરોનાના વધતા મામલા પર ચિંતા વ્યક્ત કરતા અલ્હાબાદ હાઈકોર્ટે મોદી સરકારને યુપીમાં એકાદ-બે માસ માટે ચૂંટણી ટાળવા અને રાજકીય રેલીઓ પર રોક લગાવવાનું સૂચન કર્યું હતું.
ઓમિક્રોન વેરિએન્ટને જોતા યુપીમાં પણ ઘણાં પ્રકારના પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 25 ડિસેમ્બરે નાઈટ કર્ફ્યૂ લગાવવાનો આદેશ કર્યો છે. આ કર્ફ્યૂ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. તેની સાથે લગ્ન સમારંભોમાં 200 લોકોને આવવાની મંજૂરી હશે.
આરોગ્ય મંત્રાલય પ્રમાણે, યુપીમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 2 કેસ સામે આવી ચુક્યા છે. રાહતની વાત એ છે કે બંને રિકવર પણ થઈ ચુક્યા છે. યુપીમાં ગત 24 કલાકમાં 32 નવા કેસ સામે આવ્યા છે. યુપીમાં હાલ ઈલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 236ની છે.
મહત્વપૂર્ણ છે કે યુપીમાં આગામી કેટલાક મહીનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલની વિધાનસભાનો કાર્યકાળ 14 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થાય છે. તેવામાં તેના પહેલા ચૂંટણી કરાવવાની જરૂર છે. જો કે ચૂંટણી પંચ પાસે ચૂંટણી ટાળવાનો અધિકાર છે. જો યુપીમાં ચૂંટણી ટાળવામાં આવે છે, તો 6 માસ માટે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે.

