HomeGujaratદહેગામ નરોડા હાઇવે રાયપુર કેનાલમાં ચાર યુવાનો ડૂબ્યા : બર્થ-ડે ની ઊજવણી માટે આવ્યાનું...

દહેગામ નરોડા હાઇવે રાયપુર કેનાલમાં ચાર યુવાનો ડૂબ્યા : બર્થ-ડે ની ઊજવણી માટે આવ્યાનું અનુમાન

ગાંધીનગર, બુધવાર

    દહેગામ નરોડા હાઇવે પર આવેલી રાયપુરથી વીરા તલાવડી જવાના રસ્તા પર આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આજે બપોરે ચાર યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. એક બાઇક અને એક સ્કૂટર પર આવેલા આ ચારેય યુવકો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી તેની ઓળખ થઇ નથી. બહીયલ ગામના તરવૈયાઓએ અને ગાંધીનગર ફાયર બ્રિગેડ ટીમે આ યુવકોને શોધવાની કવાયત હાથ ધરી છે.

    દહેગામ નરોડા હાઈવે પર રાયપુરથી વીરા તલાવડી જવાના રસ્તા પર આવેલા નર્મદા કેનાલના બ્રિજ પાસે આજે બપોરે એકાદ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની જવા પામી હતી. આ કેનાલમાં ચાર યુવકો એક પછી એક પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. એક સાથે ચારેય યુવકો પાણીમાં કેવી રીતે ડૂબી ગયા તે બાબત હજુ પ્રકાશમાં આવી નથી. આ ચાર યુવકો અમદાવાદના કૃષ્ણ નગર વિસ્તારમાંથી એક બાઇક અને એક્ટીવા પર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ દુર્ઘટના બની ગયાના ત્રણ કલાક પછી બહારના તરવૈયાઓ અને ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં ઉતરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, આ લખાય છે ત્યારે બપોરના ચાર વાગ્યા સુધી હજી તેમાંથી કોઈપણનો અતો પતો મળ્યો નથી. કેનાલમાં ડુબી જનાર આ ચારેય યુવકોની હજુ ઓળખ પણ થવા પામી નથી.

એક સાથે ચાર યુવકો કેવી રીતે ડૂબી ગયા ? તર્ક-વિતર્કનો દોર શરૂ થયો
     રાયપુરથી વિરાતલાવડી જવાના માર્ગ પર આવેલા બ્રિજ પાસેની કેનાલમાં ભર બપોરે ચાર યુવકો ડૂબી ગયાની ઘટનામાં અવનવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એક યુવક ડૂબવા લાગ્યો હોવાથી તેને બચાવવા માટે બીજો અને પછી ત્રીજો અને ચોથો યુવક પણ પાણીમાં ગયા હશે અને બધા ડૂબવા માંડ્યા હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડૂબતા યુવકોએ બચાવવા માટે બૂમો પણ પાડી હશે પરંતુ નિર્જન વિસ્તાર હોવાના પગલે તેમનો અવાજ કોઈના કાને પડ્યો નહીં હોય અને જોતજોતામાં ચારેય યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા
    રાયપુરથી વિરાતલાવડી જવાના માર્ગ પર બ્રિજ પાસે આવેલી કેનાલમાં ચાર યુવકો ડુબી ગયા હોવાની જાણ થતા આસપાસના સ્થાનિક રહીશોના ટોળાંએ પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની દ્વારા જ્યારે પાણીમાં ગરકાવ થયેલા યુવકોને શોધવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ત્યાં લોકોના ટોળા ઉમટયા હતા અને અનેક જાત ની ચર્ચાઓ સાથે તર્ક વિતર્કો વહેતા થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW