મોરબી સબ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસાડવાના અને તેના ઉપયોગના મામલે જેલ તંત્ર દ્વારા હાથ ધરાયેલા અચાનક સર્ચ ઓપરેશન દરમિયાન કાચા કામના એક આરોપી પાસેથી ચાલુ હાલતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન મળી આવતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. અગાઉ પણ મોરબી સબ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ફરી એકવાર મોબાઈલ મળી આવતા જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, જેલ અધિક્ષક એચ. એ. બાબરીયાના આદેશથી સબ જેલના સુબેદાર રાજુભાઇ એન. ઝેઝરીયા તથા તેમની ટીમ દ્વારા સર્કલ નંબર-02ની ખોલી નંબર-02માં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જેલ સિપાઈ ભરતભાઇ એ. ખાંભરાએ ખોલીમાં બંધ કાચા કામના આરોપી ફારૂક અલ્લારખા ભટીના પેન્ટના નેફામાં સંતાડેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઝડપી પાડ્યો હતો. ફોનમાં Jio કંપનીનું સિમકાર્ડ પણ ચાલુ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
જેલ જેવા સંવેદનશીલ અને સુરક્ષિત વિસ્તારમાંથી ચાલુ મોબાઈલ ફોન મળી આવતાં જેલ સ્ટાફમાં ચકચાર મચી હતી. આ ઘટનાએ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ કેવી રીતે પ્રવેશી રહી છે તે અંગે ફરી સવાલો ઉભા કર્યા છે.
આ મામલે સુબેદાર રાજુભાઇ એન. ઝેઝરીયાની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી ફારૂક અલ્લારખા ભટી તેમજ તપાસ દરમિયાન જે અન્ય કસમૂરવાર કે મદદગારના નામ સામે આવશે તે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

