નવી દિલ્હી, શનિવાર
કોરોના વાયરસનું નવું વેરિએટ ઓમિક્રોન આખા વિશ્વમાં ચિંતાનું કારણ છે. આ વેરિએન્ટ 90 દેશોમાં ફેલાય ચુક્યો છે અને તેના 27 હજારથી વધુ કેસો દુનિયાભરમાં નોંધાયા છે. દક્ષિણ-પૂર્વ એશિયાના ક્ષેત્રના સાત દેશોમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થયા બહાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેના ચેપને ફેલાતો રોકવા માટે જનઆરોગ્ય સુવિધાઓ અને સમાજીક ઉપાય તાત્કાલિક વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ડબ્લ્યૂએચઓ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રના પ્રાદેશિક નિદેશક પૂનમ ખેત્રપાલસિંહે કહ્યું છે કે દેશ નક્કર જનઆરોગ્ય અને સામાજીક ઉપાયોથી ઓમિક્રોનને ફેલાતો રોકી શકે છે. તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે આપણું ધ્યાન સૌથી વધુ જોખમવાળા લોકોની સુરક્ષા પર કેન્દ્રીત રહેવું જોઈએ. તેમણે કહ્યું છે કે હજી સુધી અમે એ જાણીએ છીએ કે ડેલ્ટા વેરિએન્ટના મુકાબલે ઓમિક્રોન વધુ ઝડપથી ફેલાતો દેખાય રહ્યો છે. ડેલ્ટાને કારણે ગત ઘણાં મહિનાઓમાં દુનિયાભરમાં ચેપના કેસ વધ્યા છે. તેમણે કહ્યું છે કે દક્ષિણ આફ્રિકાથી આવી રહેલા આંકડાથી ઓમિક્રોન વેરિએન્ટથી ફરીથી સંક્રમિત થવાનો ખતરો વધતો દેખાય રહ્યો છે. જો કે ઓમિક્રોનથી ગંભીરપણે બીમાર પડવાને લઈને ઉપલબ્ધ આંકડા મર્યાદીત છે.
ડબ્લ્યૂએચઓના અધિકારીએ કહ્યુ છે કે અમને આગામી સપ્તાહોમાં વધુ જાણકારી મળી શકશે. ઓમિક્રોનને હળવો માનીને નજરઅંદાજ કરવો જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે જો આનાથી વધારે ગંભીરપણે બીમાર નથી પડતા, ત્યારે પણ મોટી સંખ્યામાં મામલા ફરી એકવાર આરોગ્ય પ્રણાલી પર બોજો નાખી શકે છે. તેમણે કહ્યુ છે કે આઈસીયૂ બેડ ઓક્સિજનની ઉપલબ્ધતા, પુરતા આરોગ્યકર્મી સહીત આરોગ્ય દેખરેખની ક્ષમતાની સમીક્ષા કરવી અને તેને તમામ સ્તરો પર મજબૂત કરવાની જરૂરત છે.
રસી પર નવા વેરિએન્ટની અસર સંદર્ભે તેમણે કહ્યું છે કે શરૂઆતના આંકડાથી ઉજાગર થાય છે કે ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ રસીઓનો પ્રભાવ ઓછો હોઈ શકે છે. તેમણે કહ્યું છે કે મહામારીની વિરુદ્ધ આપણી લડાઈમાં રસી એક મહત્વપૂર્ણ હથિયાર છે, પરંતુ જેવું કે આપણે જાણીએ છીએ, માત્ર રસીથી કોઈ પણ દેશ આ મહામારીમાંથી બહાર નીકળી શકતો નથી. આપણે રસીકરણ વધારવું પડશે અને તેની સાથે જન આરોગ્ય અને સામાજીક ઉપાયોને લાગુ કરવા પડશે, જે કોવિડ-19ના ચેપને મર્યાદીત રાખવા અને મોતના મામલાને ઘટાડવામાં પ્રભાવી સાબિત થયા છે.

