અમદાવાદ,શનિવાર
રાજ્યમાં હવે કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધીરે-ધીરે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ઠંડીનો પ્રભાવ વધવા લાગ્યો છે. હવામાન ખાતાએ પણ તારીખ 17થી 4 દિવસ માટે ગંભીર શીત લહેરની આગાહી કરી છે. એવામાં દાંતની કડકડાટી બોલી જાય તેવી ઠંડીનો પ્રભાવ ચાર દિવસ સુધી રહેશે.હવામાન ખાતાએ ગંભીર શીત લહેર કચ્છમાં પ્રસરે તેવી આગાહી કરી છે. તે સિવાય સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં તેની અસર વર્તાશે. શીત લહેરના પગલે હવામાન ખાતાએ શરદી-ઉધરસનું પ્રમાણ વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ઠંડીથી બચવા માટે લોકોને નાક અને મો ઢાંકવા સલાહ આપી છે.
આજે કચ્છનું નલિયા 5.4 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, અમદાવાદમાં પણ 11.7 ડીગ્રી તાપમાન નોંધાયું છે, ફુલ ગુલાબી ઠંડીનો આનંદ લેતા લોકો નજરે પડી રહ્યા છે તો કેટલાક ઘરોમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડી લોકો મોર્નિંગ વોક માટે નિકળે છે, હવામાન વિભાગે દ્વારા જણાવાયું છે કે હજુ પણ રાજ્યમાં આગામી દિવસોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. મહાનગરોમાં પણ તાપમાનનો પારો નીચે જતા મોટા શહેરો ઠંડાગાર બન્યા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના મતે ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે રાજ્યભરમાં ઠંડીમાં વધારો થયો છે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ ૩ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીથી વધુનો ઘટાડો થતાં કડકડતી ઠંડી અનુભવાશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 17થી 21 ડિસેમ્બર ગાત્રો ગાળતી ઠંડી અનુભવાઇ શકે છે.
ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનો જોર વધતા ગુજરાત સહિત કચ્છમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો છે..હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સિવિયર કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે.કચ્છના નલિયામાં ઠંડીનો પારો નીચે ગગડતા કોલ્ડસીટી ગણાતા નલિયા સતત રાજ્યનું સૌથી ઠંડું શહેર બની રહ્યું છે.એકાએક ઠંડી પારો ગગડીને નીચો જતા કચ્છના લોકો ઠંડીથી ઠુંઠવાઇ રહ્યા છે.

