ગાંધીનગર,શુક્રવાર
ગૌણ સેવા મંડળ આયોજિત હેડ ક્લાર્કનું ગત રવિવારે લેવામાં આવેલું પેપરલીક થયા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ૧૧ આરોપીઓ સામે એફઆઈઆર નોંધાઈ છે જે પૈકી છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પાંચ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ પેપરલીક કાંડમાં માસ્ટર માઈન્ડ પ્રાંતિજના ઊંછા ગામનો જયેશ પટેલ છે અને સમગ્ર કાંડમાં તે સૂત્રધાર હોવાનું પોલીસ માની રહી છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું ભાગ-1ની બી-સિરીઝનું પેપર અગાઉથી જયેશ પટેલે મેળવી લીધું હતું અને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા હતા. પોલીસે આ કેસમાં છ આરોપીઓને દબોચ્યા છે અને અન્ય પાંચ આરોપીઓ નાસતા ફરતા છે અને તેમણે પકડવા માટે ટીમો બનાવી છે.
હેડ ક્લાર્કનું પેપર લીક થવા મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. આ પેપરલીક કાંડમાં પ્રાંતિજના ઊંછા ગામના જયેશ ઈશ્વરભાઈ પટેલે કોઈ પણ પ્રકારને હેડક્લાર્કની પરીક્ષાના ભાગ-1ની બી-સિરિઝના પેપરની નકલ અગાઉથી મેળવી લીધી હતી. દરમિયાન તા.૧૧મી ડીસેમ્બરના રોજ ઊંછાના રહીશ જશવંત હરગોવનભાઈ પટેલ તેમજ તેના પુત્ર દેવલ જશવંત પટેલ પ્રાંતિજના પોગલુ ગામે પોતાના સસરા મહેન્દ્રભાઈ એસ પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈ ગયો હતો. જે પૈકીનો એક પરીક્ષાર્થી ધ્રુવ ભરતભાઈ બારોટ પણ હતો જે પાંચેય પરીક્ષાર્થીઓને મહેશકુમાર કમલેશભાઈ પટેલ (રહે.સી-304, શાશ્વત રેસિડેન્સિ ન્યુ રાણિપ,અમદાવાદ, મૂળ રહે કાણીયોલ, તા.હિંમતનગર) તેમજ દેવલ જશવંત પટેલ તથા મહેન્દ્ર એસ પટેલે પેપર તથા પુસ્તકો આપી પેપર સોલ્વ કરવા માટે બેસાડ્યા હતા.
જ્યારે ચિંતન પ્રવિણભાઈ પટેલ (રહે.વદરાડ,તા.પ્રાંતિજ) તેમજ અન્ય છ પરીક્ષાર્થીઓને જશવંત પટેલે પોતાના ઊંછા ગામના ખેતરમાં આવેલા ઘરે પેપર તેમજ પુસ્તકો આપીને પપેર સોલ્વ કરવા બેસાડ્યા હતા. આ તમામ પરીક્ષાર્થીઓના મોબાઈલ પ્રાંતિજ હાઈ-વે ઉપર આવેલી વિનય હોટલથી સ્વીચ ઓફ કરાવી લઈ લીધા હતા. બાદમાં પરીક્ષાના દિવસે એટલે કે ૧૨મી ડીસેમ્બરે સવારે તમામ પરીક્ષાર્થીઓને અલગ અલગ વાહનોમાં બેસાડી તેઓના પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડ્યા હતા અને પરીક્ષા પૂરી થયા પછી તમામ પરીક્ષાર્થીઓને તેમના મોબાઈલ પરત સોંપવામાં આવ્યા હતા.
આરોપી જયેશ ઈશ્વરભાઈ પટેલે પેપરની એક નકલ દર્શન કિરીટકુમાર વ્યાસ (રહે.રાજબસેરા બંગ્લોઝ, મહાવીરનગર, હિંમતનગર)ને પ્રાંતિજ-અમદાવાદ હાઈ-વે ઉપર આપી હતી. જે પપેરની નકલ દર્શન વ્યાસે કુલદીપ પટેલ (રહે.કાંણિયોલ, તા.હિંમતનગર)ને તેના ઘરે આપી હતી અને કુલદીપ પટેલે પાંચ પરીક્ષાર્થીઓને તેના ઘરે પેપર અને પુસ્તકો આપી પેપર સોલ્વ કરાવ્યા હતા. કુલદીપ પટેલે આરોપી સુરેશ રમણભાઈ પટેલ (રહે.તાજપુરી કુંડોલ, તા.હિંમતનગર) તેમજ અન્ય પરીક્ષાર્થીઓને ગાંધીનગરથી એક વેગનઆર ગાડીમાં સતીષ ઉર્ફે હેપ્પી પટેલ (રહે.પાટનાકુવા, તા.તલોદ)સાથે વિસનગરના બાસણા ગામે મોકલી આપ્યા હતા અને ત્યાં સતીષ ઉર્ફે હેપ્પી પટેલે આ પરીક્ષાર્થીઓના પેપર સોલ્વ કર્યા હતા અને પપેર ગોખવા માટે આપ્યા હતા અને પરીક્ષાના દિવસે સવારના તેઓએ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડાયા હતા તે પરીક્ષાર્થીઓ પૈકી એક પરીક્ષાર્થીને વડોદરા ખાતે પરીક્ષા હોવાથી દર્શન કિરીટકુમાર વ્યાસ તેને વડોદરા મૂકવા માટે ગયો હતો. આમ, જયેશ ઈશ્વર પટેલ તથા ઉપરોક્ત આરોપીઓએ સંયુક્ત રીતે ગેરકાયદે ઉપાયો કરી આર્થિક લાભ મેળવવાના હેતુથી હેડ ક્લાર્કનું પેપર લીક કર્યું હતું અને દસથી પંદર લાખમાં પરીક્ષાર્થીઓને પેપર વેચ્યું હતું. માત્ર એટલું જ નહી પણ પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી અનુક્રમે પોગલુ, કાણીયોલ, બાસણા ગામે પેપર સોલ્વ કરાવી પરીક્ષાર્થીઓને તેઓના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી.
ધરપકડ કરાયેલા આરોપી
મહેશ કમલેશભાઈ પટેલ (304, શાશ્વત ફ્લેટ, ન્યુ રાણિપ)
ચિંતન પ્રવિણભાઈ પટેલ (વદરાડ, તા.પ્રાંતિજ)
કુલદીપ નલીનભાઈ પટેલ ( કાંણીયોલ, તા.હિંમતનગર)
દર્શન કિરીટકુમાર વ્યાસ ( રાજ બસેરા બંગ્લોઝ, મહાવીરનગર,હિંમતનગર)
સુરેશ રમણભાઈ પટેલ ( તાજપુરી કુંડોલ,તા.હિંમતનગર)
ધ્રુવ ભરતભાઈ બારોટ (રહે.બી-૮૬, વિરાટનગર,હિંમતનગર)
નાસતા-ફરતા આરોપીઓ
મહેન્દ્ર એસ પટેલ (પોગલુ, તા.પ્રાંતિજ)
સતિષ ઉર્ફે હેપ્પી પટેલ (પાટનાકુવા, તા.તલોદ)
જયેશ ઈશ્વરભાઈ પટેલ ( ઊંછા, તા.પ્રાંતિજ)
જશવંત હરગોવનભાઈ પટેલ (ઊંછા,તા.પ્રાંતિજ)
દેવલ જશવંતભાઈ પટેલ (ઊંછા, તા.પ્રાંતિજ)

