નવી દિલ્હી, ગુરુવાર
દેશની લગભગ દરેક મોટી રાજકીય પાર્ટીઓની સાથે કામ કરી ચુકેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલના સમયમાં મમતા બેનર્જી માટે કામ કરી રહેલા પ્રશાંત કિશોરે એક ન્યૂઝચેનલને આપેલા ઈન્ટરવ્યીમાં ખુલીને પોતાની વાત સામે મૂકી છે અને મમતા બેનર્જીના નિવેદનોથી વિપરીત જણાવ્યું છે કે કોંગ્રેસ વગર મજબૂત વિપક્ષની સંભાવના ઓછી છે. પ્રશાંત કિશોરે એક સવાલના જવાબમાં એમ પણ કહ્યુ છે કે ભાજપ 2017ના મુકાબલે 2022માં યુપીમાં વધારે બેઠકો મેળવે તેવી શક્યતા છે.
ટાઈમ્સ નાઉના ફ્રેંકલી સ્પીકિંગ શોમાં રેપિડ ફાયર રાઉન્ડમાં પ્રશાંત કિશોરને ઘણાં સવાલો કરવામાં આવ્યા હતા અને તેમા તેમણે પોતાના હિસાબથી જવાબો આપ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને પુછવામાં આવ્યું કે એવા ક્યાં નેતા છે કે જેમની સાથે તેઓ ફરીથી કામ કરવા ઈચ્છશે,તો તેમણે નીતિશ કુમારનું નામ લીધું હતું. આ દરમિયાન જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તેમની નીતિશ કુમાર સાથે વાતચીત થાય છે, તો તેમનો જવાબ હતો કે વાતચીત તો મારી થતી જ રહે છે. મહત્વપૂર્ ણછે કે પ્રશાંત કિશોરે સપ્ટેમ્બર-2018માં જેડીયુ જોઈન કરી હતી અને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ નીતિશ કુમાર સાથેનો તેમનો સાથ લાંબો ચાલ્યો નહીં અને તેમણે કેટલાક સમયમાં જેડીયુ અને રાજનીતિ બંને છોડી દીધા હતા.
પ્રશાંત કિશોરને જ્યારે પુચવામાં આવ્યુ કે એવા ક્યાં નેતા છે કે જેમની સાથે તેઓ ક્યારેય કામ કરવા નહીં ઈચ્છે. આ સવાલ માટે તેમને રાહુલ ગાંધી, અમરિન્દરસિંહ,નીતિશ કુમાર અને મમતા બેનર્જીના નામ આપવામાં આવ્યા હતા. પ્રશાંત કિશોરે આના જવાબમાં અમરિન્દરસિંહનું નામ આપ્યું હતું.
રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે અથવા નહીં. આ સવાલ પર પ્રશાંત કિશોરે જવાબ આપ્યો હતો કે તેઓ વડાપ્રધાન બની શકે છે. તેની સાથે તેમણે એમ પણ કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી ગાંધી પરિવાર વગર પણ ચાલી શકે છે. પ્રશાંત કિશોરને એ પણ પુછવામાં આવ્યું કે શું ગાંધી પરિવાર કોંગ્રેસને બિનગાંધી નેતાના નેતૃત્વમાં ચાલવા દેશે, તો તેમણે જવાબ હકારમાં આપ્યો હતો. જો કે તેમણે પોતાના જવાબમાં એમ પણ ઉમેર્યું હતું કે જો કોંગ્રેસના બાકીના નેતા ચાહે તો આ થઈ શકે છે.
તેની સાથે કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીમાંથી કોઈ એકને પસંદ કરવાના સવાલ પર તેમણે કહ્યુ કે કોંગ્રેસ ખુદ જ રાહુલ ગાંધીને પોતાના નેતા પસંદ કરી ચુકી છે. 2017ની સરખામણીએ યુપીમાં વધુ બેઠકો પરથી ભાજપની વાપસીના સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યુ હતુ કે આ પણ શક્ય છે. આખરમાં જ્યારે પ્રશાંત કિશોરને પુછવામાં આવ્યું કે તેઓ ભવિષ્યમાં કઈ રાજકીય પાર્ટીમાં સામેલ થાય તેવી શક્યતા છે. તો તેમણે મજાકિયા અંદાજમાં એમ પણ કહ્યુ કે જરૂરી નથી કે તેઓ કોઈ હાલની અસ્તિત્વમાં રહેલી પાર્ટીઓમાં જ જાય. તેઓ પોતાની પાર્ટી પણ લોન્ચ કરી શકે છે.

