મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ પર આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને સિટી બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો અનુસાર, મોરબી સિટી બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની જાણ થતાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રિલોકસીંગ દર્શનસીંગ સેંગર, રુતમસિંગ મહેશપ્રતાપસિંગ સેંગર, દિલીપભાઈ બચ્ચનભાઇ પાંડે, બીટુસીંગ નાથુરામ ચૌહાણ, સતીષસીંગ સુરેન્દ્રસીંગ ભદોરીયા અને પ્રહલાદસીંગ જનકસીંગ બઘેર સહિત કુલ છ શખ્સોને ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ.12,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


