મોરબીમાં સાયબર ક્રાઈમના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેતા આરોપીને મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી સામે લોકોને વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી અંદાજે રૂ. 48 લાખ 14 હજારની છેતરપિંડી કરવાનો ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, મોરબી SOGના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયબર ઠગાઈના ગુનામાં વોન્ટેડ આરોપી નૈસલ કુમાર હિંમતભાઈ મિસ્ત્રી ઉર્ફે અજયભાઈ ઉર્ફે આનંદ (ઉંમર 38 વર્ષ)ને અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી મૂળ સાબરકાંઠા જિલ્લાના તલોદનો રહેવાસી છે અને હાલ અમદાવાદના સિંગરવા વિસ્તારમાં ગતરાળ રોડ પર આવેલા શ્યામ-140 મકાનમાં ભાડેથી રહેતો હતો. તે ફર્નિચર મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી SOGની ટીમે આરોપીને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે.


