મોરબીમાં સ્કૂલ બસની ખરીદ-વેચાણના નામે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના એક શખ્સે સ્કૂલ બસ આપવાનું કહી સદવિચાર એજ્યુકેશન ટ્રસ્ટ પાસેથી રૂ.4 લાખ મેળવી લીધા હતા. જોકે, ન તો બસ સોંપવામાં આવી કે ન તો લીધેલા નાણાં પરત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા અને કન્યા છાત્રાલય શેડ ખાતે કાર્યરત સદવિચાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ભાવેશભાઈ દેવજીભાઈ ભાલોડિયાએ અમદાવાદના સફિમહમદ શેખ વિરુદ્ધ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ સ્કૂલ બસની લે-વેચ અંગે ફરિયાદીનો વિશ્વાસ કેળવી બસ આપવાનું નક્કી કર્યું હતું. આ બહાને આરોપીએ ઓનલાઈન માધ્યમથી રૂ.4,00,000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, નાણાં મેળવી લીધા બાદ આરોપીએ સ્કૂલ બસ આપી ન હતી અને વારંવાર માંગણી કરવા છતાં રકમ પણ પરત કરી નહોતી.
આમ, સ્કૂલ બસના સોદાના નામે રૂ.4 લાખની છેતરપિંડી થતાં ટ્રસ્ટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
