મોરબીમાં સાયબર ફ્રોડના નાણાંની હેરફેરના આક્ષેપો સાથે આશરે ₹3.49 કરોડના બેંક વ્યવહારોનો મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા, જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેષ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા અને ભાવેશભાઈ હરેશભાઈ વઘોરા સહિત તપાસમાં સામે આવે તે અન્ય વ્યક્તિઓ સામે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, ભાવેશભાઈ વઘોરાએ મોરબીના સનાળા રોડ પર આવેલી DCB બેંકની શાખામાં પોતાના નામે રહેલું બેંક ખાતું ઉપયોગ માટે આપ્યું હોવાનો આક્ષેપ છે. તેના બદલામાં તેમને ₹5 હજાર કમિશન મળ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર જીતેન્દ્રભાઈ ચાવડાને ₹15 હજાર કમિશન મળ્યું હતું, જેમાંથી ₹5 હજાર ભાવેશભાઈને આપીને બાકીના ₹10 હજાર પોતાની પાસે રાખ્યાનો આક્ષેપ છે.
આ પ્રકરણમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે સંબંધિત બેંક ખાતામાં કુલ ₹3,49,61,073 એટલે કે આશરે ₹3.49 કરોડની રકમ જમા થઈ હતી. ત્યારબાદ UPI, IMPS અને RTGS મારફતે આ નાણાં અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે.
બીજી તરફ, SAMANVAYA અને NCCRP પોર્ટલ પર કરવામાં આવેલી તપાસ દરમિયાન ગુજરાત અને રાજસ્થાન સાથે સંકળાયેલી ફરિયાદો મળી આવી હતી. તપાસમાં કુલ ₹74 હજારના શંકાસ્પદ વ્યવહારોની વિગતો પણ સામે આવી હોવાનું જણાવાયું છે.
માત્ર થોડા હજાર રૂપિયાના કમિશનના બદલામાં બેંક ખાતાનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો વચ્ચે કરોડો રૂપિયાની હેરફેરનો મામલો ગંભીર સવાલો ઊભા કરે છે. આ નાણાં કયા સ્ત્રોતમાંથી આવ્યાં હતાં, અન્ય કયા ખાતાઓમાં ટ્રાન્સફર થયાં અને આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
સમગ્ર મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ નાણાંની હેરફેર અને કથિત નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
