મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે નુતન BAPS સ્વામિનારાયણ મંદિરનાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના આ પાવન અવસરે મુખ્યમંત્રીએ ભક્તિભાવપૂર્વક ભગવાનના દર્શન-અર્ચન કરી રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
આ પાવન પ્રસંગે ધર્મસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરીને તેને વિશ્વ ફલક પર ગૌરવ અપાવી રહ્યો છે. સિરામિક ઉદ્યોગ સાથે ઔદ્યોગિક વિકાસ થકી સિરામિક નગરી તરીકે વિશ્વવિખ્યાત મોરબી ખાતે નૂતન મંદિરના નિર્માણથી શહેરની સુવિધા અને સુંદરતામાં અભિવૃદ્ધિ થઈ છે.સિરામિક નગરી હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફ પ્રયાણ કરી રહી છે.

આ તકે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવા સૌ નાગરિકોને જળ સંચય, ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી તેમજ યોગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે BAPS સંસ્થાના નશામુક્ત ભારત અભિયાનના પ્રયાસોની સરાહના કરી વ્યસનમુક્તિના સામાજિક કાર્યને વધુ વેગ આપવા અનુરોધ કર્યો હતો.
વિકસિત ભારત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સંકલ્પો પાર પાડવા સ્વામિનારાયણ સંપ્રદાયના હરી ભક્તો ઘર સભાઓ અને સામૂહિક સત્સંગ સભાઓમાં જન જાગૃતિ ફેલાવે તેવું આહ્વાન મુખ્યમંત્રીએ કર્યું હતું.આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળે મુખ્યમંત્રીએ BAPS સ્વામિનારાયણ મંદિરના નવનિર્મિત ગર્ભગૃહમાં વિરાજમાન ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રી મહોત્સવ અંતર્ગત આયોજિત ભવ્ય ધર્મસભામાં સહભાગી બન્યા હતા અને ધર્મસભામાં પધારેલા પૂજ્ય સંતો-મહંતોના આશીર્વચન પ્રાપ્ત કરી તેમણે ઉપસ્થિત વિશાળ હરિભક્તો અને ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનેસેરીયા, ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા, વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મોરબી કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, BAPSના પૂજ્ય સંત મહંત સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, કોઠારી સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી તેમજ સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં હરિભક્તો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
