HomeGujaratહળવદના રાયસંગપુરમાં જમીન અને રસ્તાના વિવાદ મુદે બે જૂથ વચ્ચે મારામારી, સામસામે...

હળવદના રાયસંગપુરમાં જમીન અને રસ્તાના વિવાદ મુદે બે જૂથ વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ દાખલ

હળવદ તાલુકાના રાયસંગપુર રોડ પર આવેલી સીમ જમીનમાં જેસીબી મારફતે પાળો બનાવવાની બાબત તેમજ વાડીમાં આવવા-જવાના રસ્તાને લઈને સોનગ્રા પરિવારના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બંને પક્ષે એકબીજા પર ઢીંકાપાટુનો માર મારવાની સાથે ધારીયા, ધોકા અને પાવડા જેવા હથિયારો વડે હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. બનાવને પગલે બંને પક્ષોએ હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, હળવદના ખારીવાડી રામનગર વિસ્તારમાં રહેતા જયંતિભાઈ રણછોડભાઈ સોનગ્રા (ઉંમર 44 વર્ષ)એ આરોપી ઘનશ્યામભાઈ કરશનભાઈ સોનગ્રા, સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા, પ્રવિણભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા અને કૌશલભાઈ રમેશભાઈ સોનગ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, આરોપીઓ ફરિયાદીની વાડીમાં પ્રવેશ્યા હતા અને જમીનમાં પાળો ન બનાવવા બાબતે ફરિયાદી તથા તેના સાથી સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ઢીંકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, અલગ-અલગ આરોપીઓએ ધોકા, ધારીયા, સોરીયા અને અન્ય હથિયારો વડે ફરિયાદીના સાથીઓને માર માર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બીજી તરફ, હળવદના મહાદેવનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા (ઉંમર 32 વર્ષ)એ આરોપી જયંતીભાઈ રણછોડભાઈ સોનગ્રા, યોગેશભાઈ જયંતીભાઈ સોનગ્રા, રણછોડભાઈ અમરશીભાઈ સોનગ્રા અને નીતિનભાઈ રણછોડભાઈ સોનગ્રા વિરુદ્ધ સામી ફરિયાદ નોંધાવી છે.

સંજયભાઈની ફરિયાદ મુજબ, તેમની જમીનમાંથી પસાર થતા રસ્તા પર જેસીબીથી પાળો બનાવવામાં આવી રહ્યો હતો. આ અંગે ફરિયાદી અને તેના સાથીઓએ પાળો બનાવવાની ના પાડતા સામેના પક્ષે ગાળો આપી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન જયંતીભાઈએ સોરીયાથી, યોગેશભાઈએ પાવડાથી, રણછોડભાઈએ ધોકાથી અને નીતિનભાઈએ ધારીયાથી હુમલો કર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

જમીન અને રસ્તાના વિવાદને લઈને થયેલી આ મારામારીના બનાવમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બંને ફરિયાદોના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW