મોરબી: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન સમાજ સેવા અને રાષ્ટ્રહિતની કામગીરી બદલ મેંગોપીપલ પરિવારના મનીષભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાના મોટા દહીંસરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેંગોપીપલ પરિવાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સમાજના જરૂરિયાતમંદ વર્ગો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સંસ્થાના “ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ”ના વિચાર સાથે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા વંચિત બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત ‘પ્રોજેક્ટ મુસ્કાન’ અંતર્ગત દીકરીઓને દર મહિને નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરી માસિક સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરવામાં આવે છે.
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં મળેલું આ સન્માન મેંગોપીપલ પરિવારની સમગ્ર ટીમ અને સહયોગીઓની સેવાકીય કામગીરીની નોંધ તરીકે જોવામાં આવી રહ્યું છે. સન્માન બાદ સંસ્થા દ્વારા આગામી સમયમાં પણ સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વ્યાપક રીતે પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પત્રકારમિત્રો સહિત વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા મેંગોપીપલ પરિવારની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

