HomeGujaratમોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી

મોરબી: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ૧૦ ઓગસ્ટ- ૨૦૨૬ તથા મોપ રાઉન્ડ ૧૭ ઓગસ્ટ- ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં એક વિશેષ આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક ગામ અને શહેરી વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં ૧ થી ૧૯ વર્ષના કુલ ૨,૫૦,૦૦૦ (અઢી લાખ) થી વધુ બાળકોને કૃમિનાશક દવા ગળાવવામાં આવી હતી. આ અભિયાન થકી શાળા અને આંગણવાડીમાં જતા તેમજ ન જતા તમામ એક વર્ષથી ઓગણીસ વર્ષની ઉંમરના બાળકોને ‘અલ્બેન્ડાઝોલ’ ગોળી ગળાવવામાં આવી છે, જેના સેવનથી બાળકોના શરીરમાં રહેલા કૃમિનો નાશ થાય છે.

આ સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કૃમિ ધરાવતા બાળકો કુપોષણ અને એનિમિયાને લીધે સતત થાક અનુભવે છે, જેના કારણે તેમનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જાય છે. અલ્બેન્ડાઝોલ ગોળીના સેવનથી બાળકોમાં એનિમિયાના પ્રમાણમાં ઘટાડો થાય છે, પોષણ સ્તરમાં સુધારો થાય છે, યોગ્ય શારીરિક-માનસિક વિકાસ થાય છે, ભણવા-રમવાની ક્ષમતા વધે છે અને શાળામાં હાજરીના પ્રમાણમાં પણ સારો સુધારો જોવા મળે છે.

કૃમિથી બચવા માટે બાળકોએ જમ્યા પહેલા અને બહાર રમીને આવ્યા બાદ હંમેશા સાબુથી હાથ ધોવા, પીવા માટે હંમેશા સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો, હંમેશા શૌચાલયનો જ ઉપયોગ કરવો અને શૌચાલયના ઉપયોગ પછી સાબુથી હાથ ધોવા, ક્યારેય ઉઘાડા પગે ફરવું નહીં તથા ચંપલ પહેરવા, ફળો અને શાકભાજીને હંમેશા સ્વચ્છ પાણીથી બરાબર સાફ કરીને ઉપયોગમાં લેવા, પોતાના નખ સાફ અને નાના રાખવા તેમજ પોતાની આસપાસના વાતાવરણમાં સ્વચ્છતા જાળવવી જોઈએ તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW